જામનગર શહેરમાં હાલાર હાઉસ પાસેના વિસ્તારમાં રહેતા વૃધ્ધાએ તેના હાથપગમાં થયેલા ફેકચર અને ગોળો બદલાવ્યા બાદ તથા દુ:ખાવાથી કંટાળીને સોમવારે સવારના સમયે તેના ઘરે સળગી જઈ આત્મહત્યા કરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના હાલાર હાઉસ પાસેના ગાયત્રી આશરો એપાર્ટમેન્ટ બ્લોક નં.303 માં રહેતાં કુંદનબેન ગોપાલભાઈ જાકરીયા (ઉ.વ.62) નામના વૃદ્ધાને ડાબા હાથ અને પગમાં ફેકચર થયું હતું અને ત્યારબાદ પગમાં ગોળો બદલાવ્યો હતો. આ પ્રક્રિયાને કારણે સતત થતા દુ:ખાવાથી કંટાળી જઈ સોમવારે સવારના સમયે તેના ઘરે સળગી જઇ આત્મહત્યા કરી હતી. સળગી જવાથી ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ ગોપાલભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.