જામનગર તાલુકાના અલિયા ગામમાં રહેતાં વૃદ્ધ સાથે અગાઉ થયેલી મારામારીમાં હાથ-પગમાં ઈજા પહોંચ્યા બાદ ઓપરેશન કરાવતા રસી થઈ જવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર તાલુકાના અલિયા ગામમાં આવેલી બરબચીયા ફળીમાં રહેતા સુખાભાઈ કચરાભાઈ બરબચીયા (ઉ.વ.80) નામના વૃદ્ધની સાથે બે માસ પૂર્વે મારામારી થઈ હતી. આ મારામારીમાં વૃદ્ધના હાથ અને બન્ને પગમાં ઈજા પહોંચી હતી. જેમાં હાથ તથા પગમાં ઓપરેશન કરી પ્લેટ નાખવામાં આવી હતી ત્યારબાદ પગમાં રસી જામી જવાથી વૃદ્ધની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મંગળવારે બપોરના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મહેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો એચ.બી. પાંડવ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.