ગત 15મી એપ્રિલે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ ભાર્ગવ કારિઆ સમક્ષ સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, હાઈકોર્ટના સૂચન બાદથી જ સરકારે કોરોનાને રોકવા તાત્કાલિક અસરકારક નિર્ણયો લેવાના શરૂ કરી દીધા હતા. સાથે જ આયુષ્માન ભારત તથા માં વાત્સલ્ય કાર્ડ યોજનામાં કોવિડ-19ની સારવારને પણ સામેલ કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું.
સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી આયુષ્માન ભારત તથા માં વાત્સલ્ય કાર્ડ ધરાવતા કોરોનાગ્રસ્ત ગરીબ દર્દીઓ હવે પ્રાઈવેટ હોસ્પિટલમાં વધુ ખર્ચની ચિંતા કર્યા વિના પણ મફતમાં સારી સારવાર કરાવી શકશે. આ સાથે સરકારે સોગંદનામામાં જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનરો તથા રાજ્યભરમાં કલેક્ટરોને જરૂર પડવા પર કોઈ પણ હોસ્પિટલને હસ્તક કરવાની સત્તા આપવામાં આવી છે. વધુમાં હોટલો, હોસ્ટેલો તથા કોમ્યુનિટી હોલને કોવિડ કેર સેન્ટર્સમાં બદલવામાં આવી રહ્યા છે જેથી અસિમ્પ્ટોમેટિક અને હળવા લક્ષણોવાળા દર્દીઓને ત્યાં રાખી શકાય.