બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ તથા દિશા પટનીની વિરુદ્ધ મુંબઈ પોલીસે FIR દાખલ કરી છે. તેના વિરુધ પોલીસે કોવીડ ગાઈડલાઈનના નિયમોનો ભંગ કરવા બદલ કેસ નોંધ્યો છે. મુંબઈમાં બપોરે 2વાગ્યા બાદ બિનજરૂરી બહાર નીકળવા પર પ્રતિબંધ છે. ત્યારે ટાઈગર શ્રોફ અને દિશા બન્ને ડ્રાઈવ પર ગયા હતા અને પોલીસે બન્નેને રોક્યા હતા. બાદમાં કેસ દાખલ કર્યો હતો તેમ ચર્ચાઈ રહ્યું છે.
મુંબઈ પોલીસના અનુસાર, બંનેની વિરુદ્ધ કલમ 188 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અત્યારે આ કેસમાં કોઈ ધરપકડ થઈ નથી, કારણ કે તે જામીનપાત્ર ગુનાની શ્રેણીમાં છે. જિમ સેશન બાદ દિશા અને ટાઈગર ડ્રાઈવ પર નીકળ્યાં હતાં. બંને 1 જૂનના રોજ મુંબઈના બેન્ડસ્ટેન્ડમાં કારમાં ફરતાં પકડાયાં હતાં. તેઓ બહાર નીકળવાનું કોઈ ચોક્કસ કારણ આપી શક્યાં ન હોતાં. આ બધા વચ્ચે ટાઈગર શ્રોફ પર આ કાર્યવાહી થઈ છે.
ટાઈગર શ્રોફની માતા આયેશા શ્રોફે પણ એક પોસ્ટના જવાબમાં લખ્યું છે કે પહેલા તથ્ય તપાસો ટાઈગર અને દિશા ઘરે જઈ રહ્યા હતા અને પોલીસે બંનેના આધારકાર્ડ તપાસ્યા હતા. કોઈને આવા સમયમાં મુસાફરી કરવામાં રસ નથી. ત્યારે મુંબઈ પોલીસે ટાઈગર શ્રોફ વિરુધ કેસ નોંધતા જણાવ્યું છે કે કોઈ કારણ વગર મુંબઈમાં બપોરે 2 વાગ્યા બાદ ફરવા પર પ્રતિબંધ છે. પરંતુ ટાઈગર શ્રોફ 2વાગ્યા બાદ પણ બહાર ફરી રહ્યો હોવાથી તેના વિરુધ પોલીસે કલમ 188 હેઠળ ગુન્હો નોંધ્યો છે.