પેગાસસ જાસુસી કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, પેગાસસ જાસુસી કેસની તપાસ એક્સપર્ટ કમિટી કરશે. નોંધનીય છે કે, કોર્ટમાં દાખલ અરજીઓમાં સ્વતંત્ર તપાસની માંગણી કરવામાં આવી હતી.
ચીફ જસ્ટિસ એનવી રમણા, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચ આ વિશે ચુકાદો આપ્યો છે. કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, લોકોની વિવેક વગરની જાસુસી સહેજ પણ મંજૂર કરાશે નહીં. કોર્ટે કહ્યું છે કે, આ કેસમાં હવે 8 સપ્તાહ પછી ફરી સુનાવણી કરવામાં આવશે.
હવે સુપ્રીમ કોર્ટે રિટાયર્ડ જસ્ટિસ આરવી રવિન્દ્રનની આગેવાનીમાં કમિટી બનાવી છે. જેમાં તેમની સાથે આલોક જોષી અને સંદિપ ઓબેરોય પણ હશે. આ એકસપર્ટ કમિટીમાં સાયબર સુરક્ષા, ફોરેન્સીક એકસપર્ટ, આઇટી અને ટેકનિકલ વિશેષજ્ઞો પણ હશે. કોર્ટે કહ્યું છે કે, આ કેસમાં કેન્દ્ર સરકારનું કોઈ સ્ટેન્ડ ક્લિયર નથી. કોર્ટે કહ્યું કે, પ્રાઈવેસીના ઉલ્લંઘનની તપાસ થવી જોઈએ.
બેન્ચે 13 સપ્ટેમ્બરે આ કેસ પર તેમનો નિર્ણય સુરક્ષિત રાખતા કહ્યું હતું કે, તેઓ માત્ર એ જાણવા માંગે છે કે, કેમ કેન્દ્રએ નાગરિકોની કથિત જાસુસી માટે ગેરકાયદે રીતે પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ કર્યો છે કે નહીં?