દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે આવેલી સબ પોસ્ટ કચેરીમાં ફરજ બજાવતાં સરકારી કર્મચારી દ્વારા વર્ષ 2019 થી 2020 સુધીના તેમના ફરજકાળ દરમિયાન પોસ્ટ ઓફિસની જુદી-જુદી 16 બ્રાંચમાં રોકડ રકમના ખોટા ટ્રાન્ઝેક્શન કરી અને રૂા. 1.56 કરોડની ઉચાપત કરવા સબબ ધોરણસર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સરકારી પોસ્ટ કચેરીમાં કરવામાં આવેલી તોતિંગ રકમની ઉચાપત સંદર્ભે હાલ જામનગર ખાતે રહેતા અને જામનગરની પોસ્ટલ ડિવિઝનમાં સહાયક અધિક્ષક (મુખ્યાલય) તરીકેની ફરજ બજાવતા પિનાકીન પ્રવીણચંદ્ર શાહ (ઉ.વ. 38) એ ભાટિયા ખાતે રહેતા તારક હેમંતભાઈ જાદવ નામના કર્મચારી સામે ધોરણસર ફરિયાદ નોંધાવી છે. જેમાં જાહેર થયેલી વિગત મુજબ ભાટીયાની સબ પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ અને ઇન્ચાર્જ સબ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા તારક હેમંતભાઈ જાદવે તેમના ફરજકાળ દરમિયાન તારીખ 10-06-2019 થી 19-12- 2020 સુધીના સમયગાળામાં આ વિસ્તારની જુદી-જુદી સોળ બ્રાંચ પોસ્ટ ઓફિસમાં સમયાંતરે 110 વખત ટ્રાન્જેક્શન કરવામાં આવ્યા હતા. જેમાં આરોપી શખ્સ દ્વારકા પોસ્ટ કચેરીના રેકોર્ડમાં ખોટા આર્થિક વ્યવહારો ઉભા કરી અને તેની નોંધ કોમ્પ્યુટરના જઅઙ સોફ્ટવેરમાં બતાવીએ આ અંગેના ખોટા હિસાબો પાડી અને કચેરીના હિસાબમાં ગેરરીતી આચરવામાં આવી હતી. આમ, જુદા-જુદા ટ્રાન્જેક્શન મારફતે તારક જાદવ દ્વારા કુલ રૂા.1,55,75,000 રોકડ રકમની ઉચાપત કરવામાં આવી હોવાનું જાહેર થયું છે. ભારતીય ટપાલ વિભાગના જ જુદા જુદા ખાતાઓમાં 1,44, 36,477 ની રોકડ રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.
સમગ્ર કૌભાંડ ખુલવા પામતા પોસ્ટ વિભાગની જામનગર કચેરી દ્વારા સવિસ્તૃત રીતે જાણકારી મેળવી, ભાટિયા ખાતે ફરજ બજાવતા કર્મચારી તારક જાદવને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેની સામે સુચના મુજબ કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે આઈ.પી.સી. કલમ 409 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ સ્થાનિક પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા દ્વારા હાથ ધરવામાં આવી છે. આ બનાવે સમગ્ર પોસ્ટ તંત્ર સાથે કલ્યાણપુર તાલુકામાં ભારે ચકચાર જગાવી છે.