અસારવાના ભાજપના ધારાસભ્ય પ્રદિપ પરમાર સાથેની વાતચીતની ઓડિયો ક્લિપિંગ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે. ફોન કરનાર કહે છે કે હું કાંતિલાલ ચાવડા બોલુ છું. મારે તમારી સાથે ચર્ચા કરવી છે. ત્યાર બાદ તેમણે કહ્યું કે ભાવનગરમાં અમરા બોરીચાનુ મર્ડર થયુ છે.તેમના મુદ્દાને વિધાનસભામાં એક માત્ર દલિત ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી જ ઉઠાવે છે. ભાજપના તમારા સહિતના દલિત ધારાસભ્યો આ મુદ્દાને કેમ નથી ઉઠાવતા?
અમે તમને ચૂંટીને વિધાનસભામાં શા માટે મોકલ્યા છે? જિજ્ઞેશે જ ઠેકો લીધો છે? દલિત સમાજ પર અન્યાય થાય તો દલિતોના પ્રશ્ર્નોને હલ કરવા જોઈએ.તમારે પક્ષાપક્ષીથી દૂર રહીને દલિતોના પ્રશ્ર્નોને ઉઠાવવા જોઈએ. આ પ્રકારના વિવિધ પ્રશ્ર્નના જવાબમાં પ્રદિપ પરમાર કહે છે કે નિયમ મુજબ મુદ્દો ઉઠાવવા માટે નોટિસ આપવી પડે.મુદ્દો ઉઠાવવામાં પક્ષાપક્ષી પણ કરવી પડે. હું કોઈની મહેરબાનીથી ચૂંટાયો નથી. હું દલિત છું અને અનામત મળી છે. મારા વિસ્તારના મતદારોએ મત આપતા હું ચૂંટાયો છે. ધારાસભ્યે વધુમાં સામો પ્રશ્ર્ન કર્યો કે બોમ્બ ધડાકામાં મારી સામે કેસ થયો ત્યારે મને મળવા કે બચાવવા કોણ આવ્યુ હતુ? ભાનુભાઈની ઘટના વખતે હીતુ કનોડીયા ગયા ત્યારે શું થયુુ હતુ? મારે તમારી ધારાસભ્ય કરસનભાઈને મારીને તેમને દોડાવ્યા હતા. અંતે ગુસ્સાથી એવુ કહે છે કે તમે દલિત છો. કોણ છો તેની મને કઈ રીતે ખબર પડે.મને તમારી સલાહની જરૂર નથી. તે તમારી પાસે જ રાખો. એમ કહી ફોન કટ કરી દીધો હતો.