જામનગરમાં મહાનગરપાલિકાના ગેઇટ પાસે બનાવવામાં આવેલા કોરોના ટેસ્ટીંગ અંગેના ફાટેલા મંડપ મુદ્દે તેમજ કોરોના ટેસ્ટીંગ કિટના બગાડ અંગે આસિ. કમિશનરને રજૂઆત કરવા ગયેલા વોર્ડ નં. 4ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા વચ્ચે ચકમક થયા બાદ ગઇકાલે રચનાબેન નંદાણીયા તથા કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા મહિલા કોર્પોરેટરનું અધિકારીએ અપમાન કર્યાના આક્ષેપ સાથે કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ગઇકાલે જામનગરના વોર્ડ નં. 4ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા મહાનગરપાલિકાના ગેઇટ પાસે કોરોના ટેસ્ટીંગના ફાટેલા મંડપ અંગે આસિ. કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતાં. જેમાં ચકમક ઝરી હતી અને આસિ. કમિશનર દ્વારા મહિલા કોર્પોરેટરને ગેટઆઉટ કહેતા મહિલા કોર્પોરેટરનું અપમાન કર્યું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું છે કે, આસિ. કમિશનર ભાર્ગવ ડાંગર દ્વારા ચૂંટાયેલા મહિલા સભ્ય સાથે ગેરવર્તન કરી અસભ્ય વાણી બોલી ગેટઆઉટ જેવા શબ્દો જે કોઇ અધિકારીને છાજે નહીં તેવું ખરાબ વર્તન કરી પોતાના અધિકારી તરીકેનો ખોટો પાવર બતાવ્યો હતો અને કોરોનાની અને મંડપની કોઇ રજૂઆત સાંભળી ન હતી. તેમજ સિક્યુરીટીને બોલાવવાનું કહી દરવાજો બંધ કરી દીધો હતો. આથી આ અંગે કાયદેસર કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે. તેમજ જામનગર મહાનગરપાલિકાના ગેઇટ પાસે તાત્કાલિક ધોરણે નવા મંડપ નાખવા જેથી કિટ બગડે નહીં અને કોરોના પોઝિટીવ આવેલ દર્દીઓને ઘરે મોકલવા માટે અથવા હોસ્પિટલ મોકલવાની વ્યવસ્થા કરવી જેથી બીજા કોઇને કોરોનાની અસર ન થાય તેમ રજૂઆત કરવામાં આવી છે.
પૂર્વ વિરોધપક્ષ નેતા અલ્તાફ ખફી, અસ્લમ ખિલજી, કોર્પોરેટરો જેનબબેન ખફી, રચનાબેન નંદાણિયા ઉપરાંત સહારાબેન મકવાણા, આનંદ ગોહિલ સહિતના કોંગ્રેસી અગ્રણીઓ ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવ્યું હતું.