જોડિયા તાલુકાના બાલભાં રણજીત પર વિસ્તારમાં આવેલ ચોગલે સોલ્ટ પ્રા.કંપનીમાં મજૂરોઓ માટે પૂરતી સુવિધા ન હોય આ અંગે જાત તપાસ કરી કેટલીક અમાન્ય ક્ષતીઓ જોવા મળતાં કાલાવડના કોંગ્રેસી ધારાસભ્ય પ્રવિણ મુસડિયા અને આગેવાનો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવી હતી.
આવેદન પત્રમાં જણાવ્યું છે કે, ગત્ તા.20 એપ્રિલના રોજ ધારાસભ્ય અને સ્થાનિક આગેવાનો દ્વારા જોડિયા તાલુકામાં આવેલ બાલંભા રણજીત પર વિસ્તારમાં ચોગલે સોલ્ટ પ્રા.લી. કંપનીમાં જાત તપાસ કરતાં કેટલીક અમાનવીય ક્ષતિઓ જોવા મળી હતી. જેમાં મજૂરો માટે વ્યવસ્થિત રહેવાની સગવળ નથી તેઓને સેફટીના સાધનો જેવાં કે બુટ, બેલ્ટ મોજા આપવામાં આવેલ નથી. તેમજ પૂરતું ભોજન પણ મળતું નથી અને વ્યકિતદછીઢ 320 દૈનિક મહેનતાણું અપાઇ રહ્યું છે. મજૂરો માટે શૌચાલય કે બાથરૂમની વ્યવસ્થા નથી. જે શૌચાલય બનાવવામાં આવ્યા છે તે ડેમેજ થઇ ગયા છે અને ગંદકી ભર્યા જોવા મળી રહ્યા છે.
આ ઉપરાંત મજૂર માણસો માટે પીવાના પાણીની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. જે પાણી પીવામાં આવી રહ્યું છે એ ખુબ જ ગંદુ અને દુર્ગધ મારી રહેલું પાણી હતું. મજૂરોનું પીએફ આપવામાં આવતું નથી અને પુરતાં પ્રમાણમાં પગાર વેતન પણ અપાતું નથી. સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી સતત 12 કલાક કામ કરાવી મજૂરોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. કામના પ્રમાણમાં વેતન ચૂકવવામાં આવતું નથી. સહિતના વિવિધ પ્રશ્ર્નો અંગે આવેદન પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે.