જામજોધપુર તાલુકાના આંબરડી ગામમાં રહેતાં ખેડુત પ્રૌઢે ધ્રાફા ગામની સાત વડલાની સિમમાં તેના ખેતરે બીમારીથી કંટાળીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. લાલપુર તાલુકાના ખટીયાબેરાજા ગામમાં રહેતા વૃધ્ધાએ તેણીના ઘરે અકળ કારણોસર અગ્નિસ્નાન કરી આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામજોધપુર તાલુકાના ડેરી આંબરડી ગામમાં રહેતાં અને ખેતી કરતા દેવશીભાઇ હમીરભાઈ સોલંકી નામના પ્રૌઢને ઘણાં સમયથી માનસિક બીમારીની સારવાર ચાલુ હતી. પરંતુ, આ સારવારથી તબિયતમાં સુધારો ન થવાથી જિંદગીથી કંટાળીને શુક્રવારે સવારના સમયે ધ્રાફા ગામની સાત વડલાની સીમમાં આવેલા તેના ખેતરે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પ્રૌઢને સારવાર માટે નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર નિખિલ દ્વારા જાણ કરાતા એ.જે. પોપાણીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, લાલપુર તાલુકાના ખટીયા બેરાજા ગામમાં રહેતાં જોશનાબેન પ્રવિણભાઈ બકરાણિયા (ઉ.વ.60) નામના વૃદ્ધા એ ગત તા.23 ના રોજ સાંજના સમયે કોઇ અકળ કારણોસર દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધાને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે રેખાબેન દ્વારા જાણ કરાતા હેકો આઈ.ડી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.