કાલાવડ તાલુકાના ગુંદા ગામથી અનિડા ગામ તરફ જવાના માર્ગ પર નવા બનતા ડામર રોડ સાઈડ પર વર્ક આસીસ્ટન્ટ તરીકે નોકરી કરતા પ્રૌઢને બેફીકરાઇથી પૂરઝડપે રીવર્સ આવતા ડમ્પરે હડફેટે લઈ તોતિંગ વ્હીલ નીચે ચગદી દેતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જૂનાગઢમાં રહેતા મગનભાઇ ઉર્ફે કિશોરભાઈ કમાભાઈ પરમાર (ઉ.વ.57) નામના પ્રૌઢ કાલાવડ ગામના ગુંદા ગામનથી અનિડા ગામ તરફ જવાના માર્ગ પર રસીક કાલરિયાની વાડી સામે નવા બનતા ડામર રોડ પરની સાઈડ પર વર્ક આસી. તરીકે ફરજ બજાવતા હતાં અને મંગળવારે બપોરના સમયે તેની સાઈટ પર ફરજ બજાવતા હતાં તે દરમિયાન જીજે-03-બીવાય-9900 નંબરનું આઈવા ડમ્પરના ચાલકે તેનું ડમ્પર પૂરઝડપે બેફીકરાઈથી રિવર્સમાં ચલાવતા સમયે મગનભાઈને ઠોકર મારી હડફેટે લઈ તોતિંગ વ્હીલ નીચે ચગદી નાખ્યા હતાં.
જેના કારણે ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે પ્રૌઢનું મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવની જાણના આધારે પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના પુત્ર હિરેનના નિવેદનના આધારે ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી હતી.