ખંભાળિયામાં રહેતા એક યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી, બદનામ કરવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી, રૂપિયા પાંચ લાખની માંગણી કરવા સબબ ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાની એક શાળા સામે રહેતા આશરે વીસેક વર્ષના યુવાન સાથે ખંભાળિયાના રહીશ એવા યુસુફ અલીમામદ ચાકી નામના શખ્સ દ્વારા બદનામ કરવાની ધમકી આપી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગુજાર્યું હતું. ત્યારબાદ ઉપરોક્ત આરોપીએ તેની દુકાને બોલાવી અને અન્ય બે આરોપીઓ એવા જામનગરના રહીશ તલા ઈબ્રાહીમ ખાખી અને અલ્ફાજ હાજી ખફી નામના શખ્સોની મદદગારી મેળવી અને અગાઉ યુસુફ અલીમામદ ચાકી દ્વારા યુવાન સાથે કરવામાં આવેલા સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યનો વિડીયો પોતાની પાસે હોવાનું જણાવી તેની પાસેથી રૂપિયા પાંચ લાખ બળજબરીપૂર્વક પડાવી લેવા માટેની માગણી કરી હતી.
જો આ યુવાન પૈસા નહીં આપે તો તેઓની પાસે રહેલો આ વીડિયો વાયરલ કરી, ફરિયાદી યુવાનને બદનામ કરવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે ભોગ બનનાર યુવાનની ફરિયાદ પરથી આઈ.પી સી. કલમ 377, 384, 506 (2), 114, તથા 511 મુજબ ગુનો નોંધી યુસુફ ચાકીની અટકાયત કરી, કોરોના ટેસ્ટ બાદ ધરપકડ સહિતની તજવીજ હાથ ધરી છે. જ્યારે અન્ય બે શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવે ભારે ચકચાર જગાવી છે.