સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા શહેરની મધ્યમાં આવેલા કાનદાસ બાપુના આશ્રમ પાસે રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સોએ ગાયો ઉપર એસિડ જેવા જલદ પદાર્થથી આ ગાયોને ગંભીર ઇજા પહોંચાડી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની જાણ દ્વારકાના ગૌપ્રેમીઓને થતા ઇજા પામનારા ત્રણથી ચાર ગૌવંશને દ્વારકાના ભથાણ ચોકમાં આવેલી શ્રી દ્વારકાધીશ ગૌ હોસ્પિટલને જાણ કરવામાં આવી હતી. જેથી આ ગૌ હોસ્પિટલના પ્રમુખ રામજીભાઈ મજીઠીયાએ જરૂરી કાર્યવાહી કરી, હોસ્પિટલના ડોક્ટર તથા સ્ટાફ દ્વારા ગાયોને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
આ બાબતે રામજીભાઈ મજીઠીયાએ તંત્રને લેખિત જાણ કરી, આવા અમાનુષી કૃત્ય કરનારા તત્વોને શોધી કાઢી દાખલા રૂપ પગલા લેવા માટેની રજૂઆત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પુર્વે જ દ્વારકા નજીકના ગુરગઢ અને પિંડારા વિસ્તારમાં પણ કોઈ અજાણ્યા તત્વોએ ગાયોના પગ કાપી નાખી અને ઈજા પહોંચાડતા ભારે આક્રોશ સાથે ગૌ પ્રેમીઓએ વહીવટી તંત્રને જાણ કરી, પગલા લેવા માટેની માંગ કરી હતી. જેની શાહી હજુ સુકાઇ નથી ત્યા ભગવાન દ્વારકાધીશની ધર્મનગરીમાં ફરી એક વખત આવા કૃત્યો સામે આવ્યા છે. ભગવાન દ્વારકાધીશની અતિ પ્રિય એવી ગાયોની આવી હાલત જો ખુદ દ્વારકા નગરીમાં થતી હોય ત્યારે ચોક્કસપણે ભગવાન દ્વારકાધીશની આંખો રડી હશે તેમ કહી શકાય.
સરકારી તંત્રએ આ બાબતને ગંભીરતાથી લઈ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા ગૌ પ્રેમીઓ રાખી રહ્યા છે. આવા અધમ કૃત્યો કરનાર શખ્સોને ક્યારે પણ માફ ન કરી શકાય. આવા તત્વોને તાત્કાલિક ઝડપી લઇ, આકરી સજા કરવામાં આવે તેવું ગૌપ્રેમીઓ જણાવી રહ્યા છે.