અમેરિકાએ સોમવારે ભારતને ચોરાયેલી 105 પ્રાચીન કલાકૃતિઓ પરત સોંપી છે. ન્યૂયોર્કમાં એક સમારોહમાં આ કલાકૃતિઓ ભારતીય દૂતાવાસને સોંપવામાં આવી હતી. આ કલાકૃતિઓ ચોરી અને દાણચોરી દ્વારા અમેરિકા પહોંચી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જૂનમાં અમેરિકાની મુલાકાત દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પુનજીર્વિત કરવાના પ્રયાસના ભાગરૃપે ભારત સરકાર દ્વારા પ્રાચીન વસ્તુઓને પરત લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
24 જૂને તેમની રાજ્ય મુલાકાત દરમિયાન પીએમ મોદીએ રોનાલ્ડ રેગન સેન્ટરમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધિત કરતા અમેરિકાના નિર્ણયની જાણકારી આપી હતી અને કહ્યું હતું કે ભારતીય મૂળની આ પ્રાચીન વસ્તુઓ આંતરરાષ્ટ્રીય બજારમાં યોગ્ય કે ખોટી રીતે પહોંચી હતી, પરંતુ અમેરિકાએ તેને ભારતને પરત કરવાનો નિર્ણય લીધો છે.
વડાપ્રધાન મોદીએ ભૂતકાળમાં પણ અનેક વિદેશ પ્રવાસો પર વૈશ્વિક નેતાઓ સાથે આ મુદ્દે ચર્ચા કરી છે, જેના કારણે અત્યાર સુધીમાં વિદેશથી ઘણી પ્રાચીન મૂર્તિઓ અને કલાકૃતિઓ સ્વદેશ લાવવામાં આવી છે.
આ પહેલા અમેરિકાએ 2022માં ભારતને 307 પ્રાચીન વસ્તુઓ પરત કરી હતી. આ પ્રાચીન વસ્તુઓની દાણચોરી અને ચોરી કરવામાં આવી હતી, જેની કિંમત આશરે ઞજ4 મિલિયન છે. જેમાંથી 238ને 2014 બાદ પરત લાવવામાં આવ્યા છે. ભારત સરકારે જણાવ્યું હતું કે સદીઓથી સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ ધરાવતી અસંખ્ય અમૂલ્ય કલાકૃતિઓની ચોરી કરીને વિદેશમાં દાણચોરી કરવામાં આવી હતી. તેને પરત લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.