જામનગરમાં પીએન માર્ગ પર આજે બપોરે દોઢ વાગ્યાના અરસામાં એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઇ હતી. એમ્બ્યુલન્સ ડ્રાઇવર દ્વારા સતત સાયરન વગાડવા છતાં પોલીસ દ્વારા સિગ્નલ ખોલવામાં આવ્યું ન હતું. આ માર્ગ પર આ સમસ્યા અવારનવાર સર્જાતી હોય છે. જેનો પોલીસ દ્વારા ઉકેલ આવે તે આવશ્યક બન્યું છે.
View this post on Instagram
જામનગરમાં ટ્રાફિકથી ધમધમતા પીએન માર્ગ પર અવારનવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. ખાસ કરીને જી. જી. હોસ્પિટલ પાસે આવેલ ટ્રાફિક સિગ્નલનું ઢંગધડા વિના નિયમન થતું હોય જેને પરિણામે બન્ને તરફ લાંબી વાહનોની લાઇનો લાગી જતી હોય છે. પાંચ-પાંચ મિનિટ સુધી અહીં સિગ્નલ બંધ કરી દેવામાં આવતા જી. જી. હોસ્પિટલથી ડીકેવી સુધી અને જી. જી. હોસ્પિટલથી અંબર ચોકડી સુધી વાહનોના થપ્પા લાગી જાય છે. અહીં સરકારી હોસ્પિટલ ઉપરાંત શાળાઓ પણ આવેલી હોય, બપોરે 12.00 થી 2.00 વાગ્યાના અરસામાં આ સમસ્યા અવારનવાર સર્જાતી હોય છે. આજે પણ બપોરે દોઢ વાગ્યાના અરસામાં આ સમસ્યા જોવા મળી હતી. અહીં આજે ટ્રાફિકજામમાં એમ્બ્યુલન્સ ફસાઇ ગઇ હતી. લગભગ પાંચેક મિનિટ સુધી એમ્બ્યુલન્સ ફસાઇ હતી અને એમ્બ્યુલન્સ ડ્રાઇવર દ્વારા સતત સાયરન વગાડવામાં આવ્યા હતા. છતાં પણ જી. જી. હોસ્પિટલ પાસે ટ્રાફિક પોલીસ દ્વારા બંધ કરાયેલ સિગ્નલ ખોલવામાં આવ્યું ન હતું.


