ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી વાદળછાયું વાતાવરણ છે. અને મોટા ભાગના જીલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા ઠંડીનું જોર પણ વધ્યું છે તો બીજી તરફ ખેડૂતો ચિંતિત છે. બંગાળની ખાડીમાં હળવા દબાણનું ક્ષેત્ર તેજ થઈને ચક્રવાતી વાવાઝોડું ‘જવાદ’માં પરિવર્તિત થઈ શકે છે. જે આવતીકાલે સવારે સવારે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ટકરાશે.જેના પરિણામે ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં પવન સાથે માવઠું થઇ શકે છે. રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે, આવતીકાલ સુધી વાતાવરણમાં પલટો રહી શકે છે.
અંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યમાં હજુ કમોસમી વરસાદ ગયો નથી. ડીસેમ્બર મહિનાના અંત સુધી ઠંડી વચ્ચે વરસાદનું સંકટ રહેશે. પરિણામે શિયાળામાં ચોમાસાનો માહોલ સર્જાશે. પશ્ચિમી વિક્ષેપના કારણે રાજ્યમાં 19થી 21 ડિસેમ્બર દરમિયાન તેમજ 28થી 30 ડીસેમ્બર સુધી માવઠું થશે. 4 ડિસેમ્બરથી રાજ્યમાં કાતિલ ઠંડીનો અહેસાસ થશે. તેમ અંબાલાલ દ્વારા જણાવવામાં આવ્યું છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અનેક જગ્યાઓ પર વરસાદ પડ્યો છે. ઉમરપાડામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ વરસ્યો હતો.