અંબાજી મંદિરમાં છેલ્લા કેટલાક દિવસથી પ્રસાદ મુદ્ે ચાલી રહેલાં વિવાદમાં આજે અંબાજી બંધના એલાનને પગલે તમામ વેપારીઓએ પોતાના ધંધા-રોજગવાર બંધ રાખતા અંબાજી સજજડ બંધ જોવા મળી રહ્યું છે. બીજી તરફ આ વિવાદમાં વિશ્ર્વ હિન્દુ પરિષદે પણ ઝંપલાવ્યું છે અને મંદિરના દ્વાર નજીક ધરણાં પ્રદર્શન શરૂ કર્યા છે. યાત્રાળુઓ તેમજ સાધુ-સંતોને પણ ધરણામાં જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે.
મોહનથાળના બદલે ચીક્કી અપાતા ભક્તો ભારે નારાજ છે, એક અઠવાડિયાથી મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો છે. જે બાદ હવે વિશ્ર્વ હિન્દુ પરિષદ, અંબાજી હિત રક્ષક સમિતિ સહિતના હિન્દૂ સંગઠનો અને સંસ્થાઓ મેદાને આવી હતી અને આજે અંબાજી બંધનું એલાન આપ્યું હતું. શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રસાદનો વિવાદ વકર્યો છે.
અત્રે મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોને મોહનથાળનો પ્રસાદ અપાતો. આ મોહનથાળનો સ્વાદ, માતાજીના દર્શન સાથે અનેરા પ્રસાદનો લાભ લેવા અહીં ભક્તો દેશ-વિદેશથી આવે છે. મોહનથાળના પ્રસાદ સાથે અહીં ભક્તોની લાગણી જોડાઈ રહી છે. પરંતુ એકાએક કોઈને જાણ સુદ્ધા કર્યા વગર જ મંદિરમાં એક જ ઝાટકે મોહનથાળનો પ્રસાદ આપવાનું બંધ કરી દેવાયું અને તેની જગ્યાએ ચીક્કીનો પ્રસાદ અપાવા લાગ્યો. આ થયાના પહેલા દિવસથી જ ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો છે.
પ્રથમ દિવસે જ કેટલીક મહિલાઓ જ્યાંથી પ્રસાદ ખરીદવાનો હોય એ સ્ટોલ પર રકઝક કરતી નજરે પડી હતી. જેનો વીડિયો વાઈરલ થઈ જતા સમગ્ર ભક્તગણમાં વાયુવેગે વાત ફેલાઈ ગઈ હતી અને એક સાથે વિરોધનો સૂર ઉઠ્યો હતો. અંબાજી મંદિરમાં વર્ષોથી મોહનથાળનો જ પ્રસાદ અપાઈ છે. દરેક ધાર્મિક સ્થાને તેના પ્રસાદ વનગીનું અનેરું મહત્વ હોય છે, તેવી જ રીતે અંબાજી માબ્દીરે આ મોહનથાળ પ્રસાદ પણ ખૂબ જાણીતો છે. મોહનથાળનો પ્રસાદ બંધ કરવા મામલો હવે પેચીદો બનતો જાય છે. મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા દાંતાના રાજવી પરિવારે પણ નારાજગી દર્શાવી છે. રાજવી પરિવારનાં મહારાજા પરમવીરસિંહે ખુદ મોહનથાળ પ્રસાદ મામલે નારાજગી વ્યક્ત કરી હતી. દાંતા સ્ટેટ રાજવી પરિવારનો માતાજી સાથે વર્ષોથી ભક્તિનો નાતો રહ્યો છે. રાજવી પરિવાર નવરાત્રીમાં પણ માતાજીની વિશેષ પૂજા અર્ચના કરે છે.