ધો.10માં આ વર્ષે માસ પ્રમોશન અપાનાર છે ત્યારે સરકાર દ્વારા હજુ સુધી માસ પ્રમોશનની ગાઈડલાઈન જાહેર કરાઈ નથી તેમ છતાં કેટલીક સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને ધો.10ના પરિણામ આપી દેવાયા છે તો કેટલીક સ્કૂલોએ ધો.11ના પ્રવેશ ફોર્મ ભરાવવાનું શરૂ કરી દીધુ છે.જેને લઈને બોર્ડ દ્વારા તમામ ડીઈઓને તપાસ કરી કાર્યવાહી આદેશ કરાયો છે.
સરકાર દ્વારા ધો.10ના પરિણામ માટેની ચોક્કસ ગાઈડ લાઈન જાહેર કરાશે અને તે મુજબ જ ધો.10નું પરિણામ તૈયાર થશે. હજુ સુધી બોર્ડે આ ગાઈડલાઈન જાહેર કરી નથી.ધો.10ની બોર્ડ પરીક્ષા જ થઈ નથી ત્યારે માસ પ્રમોશન કયા આધારે આપવુ તે મોટો પ્રશ્ર્ન છે અને જે માટે બોર્ડની તજજ્ઞ સભ્યોની ટીમ દ્વારા થોડા દિવસમાં ભલામણો સાથેનો રિપોર્ટ આપ્યા બાદ બોર્ડ દ્વારા નિશ્ચિત ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે.
પરંતુ આ ગાઈડલાઈન આવે તે પહેલા જ કેટલીક સ્કૂલે વિદ્યાર્થીઓના રીઝલ્ટ વાલીઓને આપી દીધા છે.ઉપરાંત કેટલીક સ્કૂલોએ ફી લેવા માટે ધો.11ના પ્રવેશ પણ આપવાનું શરૂ કરી દીધુ છે. નિયમ મુજબ ધો.10ની બોર્ડની માર્કશીટ વગર ધો.11ની પ્રવેશ પ્રક્રિયા શરૂ ન થઈ શકે.આ મુદ્દે બોર્ડ દ્વારા તમામ ડીઈઓને તપાસ કરી કાર્યવાહી કરવા અને પોતાના જિલ્લામાં સ્કૂલોને કડક સૂચનાઓ આપવા આદેશ કર્યો છે.