જામનગર મહાનગરપાલિકા દ્વારા બેડી રેલવે ઓવર બ્રિજ પાસે આવાસ બનાવવામાં આવ્યા છે. જેમાં લાભાર્થીઓને ડ્રો મારફત ફાળવણી કરવામાં આવ્યા બાદ 81 જેટલા લાભાર્થીઓએ ફલેટની ડિપોઝિટ ભરવાની કે અન્ય કોઇ કાર્યવાહી ન કરતાં મહાનગરપાલિકા દ્વારા આ 81 લાભાર્થીઓના ફલેટની ફાળવણી રદ્ કરવામાં આવી છે અને આગામી સમયમાં આ આવાસોનો ડ્રો ફરીથી કરવામાં આવશે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બેડી રેલવે ઓવરબ્રિજ નજીક ઇડબલ્યુએસ એક પ્રકારના 144 આવાસો તથા ઇડબલ્યુએસ-2 પ્રકારના 128 આવાસો મળી કુલ 272 આવાસોનું કામ પૂર્ણ થયું છે. આ 272 આવાસોનો ડ્રો કરી લાભાર્થીઓને ફાળવણી પણ કરવામાં આવી છે. હવે આવાસોને સોંપવાની કામગીરી શરુ કરવામાં આવશે. ત્યારે 81 લાભાર્થીઓએ આ આવાસો મેળવવા નિયત સમયમાં માત્ર અરજી સાથે ડિપોઝિટની રકમ ભરી છે. જ્યારે તે સિવાયની બાકી રહેતી 80 ટકા રકમ તથા મેઇટેનન્સની ડિપોઝિટની રકમ હજૂ સુધી ભરી નથી. આવા પ્રક્રિયા નહીં કરનારા લાભાર્થીઓને મહાનગરપાલિકા દ્વારા તા. 5 મે-2022 અને 22-જૂન-2022ના રોજ બે વખત નોટીસો આપવામાં આવી હોવા છતાં કોઇપણ કાર્યવાહી ન કરતાં મહાનગરપાલિકા દ્વારા તા. 19-9-2022ના રોજ તમામ 81 લાભાર્થીઓને ફલેટની ફાળવણી રદ્ કરવાનો હુકમ કરીને 29-10-2022 સુધીમાં બાકીની રકમ ભરવા તાકિદ કરવામાં આવી હતી. તેમ છતાં લાભાર્થીઓએ નિયત સમય મર્યાદામાં કોઇ કાર્યવાહી કરી નથી.
આ તમામ 81 લાભાર્થીઓને ફોન કરીને મહાનગરપાલિકાના આવાસના સ્થળો ઉપર બાકી રકમ ભરવા, લોન અંગે માર્ગદર્શન આપવા બાબતે મિટિંગ પણ રાખવામાં આવી હતી. જેમાં પણ લાભાર્થીઓ દ્વારા અનુકુળ પ્રતિસાદ ન મળતાં મહાગનગરપાલિકા દ્વારા આ તમામ 81 લાભાર્થીઓના ફલેટની ફાળવણી રદ્ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. આથી રદ્ કરવામાં આવેલ લાભાર્થીઓના લાગેલ આવાસો ઉપર હવે પછી કોઇપણ પ્રકારના હક્ક રહેશે નહીં. રદ્ કરવામાં આવેલ 81 લાભાર્થીઓના નામોની આવાસ યોજનાના સ્થળે, જામનગર મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર તેમજ કોર્પોરેશનની સ્લમ શાખાના નોટીસ બોર્ડ ઉપર પણ પ્રસિધ્ધી માટે મુકવામાં આવી છે.