સૌની યોજનામાં રેકોર્ડ પર દેખાય તે રીતે રૂા. 500 કરોડથી વધુ રકમની ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ ઉનાના વિધાનસભ્ય પૂંજાભાઈ વંશે મંગળવારે ગૃહમાં અંદાજપત્ર અંગેની ચર્ચા કરતાં કર્યો હતો.
બીજીતરફ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રદુષણ ફેલાવતા એકમો પાસે બેન્ક ગેરન્ટી તરીકે વસૂલવામાં આવતી રકમ પ્રદુષણ ઘટાડવા માટે ઉપયોગમાં લેવાની માગણી પણ વિધાનસભામાં બજેટ અંગેની ચર્ચામાં બોલતા તેમણે કરી હતી.
ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર થતો નથી તેવું વારંવાર કહેવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા અલગ જ છે.ગૃહમાં બોલતા તેમણે જણાવ્યું હતું કે સૌની યોજનાના કામકાજ શરૂ થયાના એક વરસથીય ઓછા સમયમાં એસ.ઓ.આર.ના ભાવ સુધારવામાં આવ્યા હતા.સામાન્ય રીતે આમ ભાવ સુધારી ન શકાય તેવો સરકારનો જ નિયમ છે. આમ છતાંય તેના ભાવ સુધારવામાં આવ્યા છે તે અમારી દ્રષ્ટિએ ગેરરીતિ જ થયેલી ગણાય.
મહેસૂલ વિભાગમાં પણ કરપ્શન ચાલતું હોવાનું ખુદ મુખ્યમંત્રીએ અગાઉ સ્વીકારેલું છે. વન વિભાગમાં રક્ષિત ઝાડ ન કપાય તેવો નિયમ હોવા છતાંય તે કાપી નાખવાના બનાવો બન્યા જ છે. ભૂતકાળમાં મંત્રી મંગુભાઈ પટેલે આ ગેરરીતિ થઈ હોવાનું કબૂલ્યું પણ છે.
તેમણે કહ્યું હતું કે મેં લેખિત રજૂઆત કરી છે. છતાં સરકાર પગલાં લેતી નથી અને કહે છે કે ના ના આવી કોઈ ગેરરીતિઓ થઈ જ નથી. મોટો ભાગના કેસમાં ચોરી કરનાર જ કેસની તપાસ કરે અને તેનો નિર્ણય પણ તે જ કરે છે. ત્યારે સાચી સ્થિતિ બહાર આવવાની અપેક્ષા કેવી રીતે રાખી શકાય તેવો સવાલ તેમણે કર્યો હતો.
જીપીસીબીના પ્રદુષણના પ્રશ્ર્ન અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતુ કે એક તરફ સરકારના વિભાગમાં જમા પડેલી રકમનો ઉપયોગ જ કરવામાં આવતો નથી. બીજી તરફ સરકાર અમદાવાદ, વડોદરા, અને જેતપુરમાં ઔદ્યોગિક એકમોના ગંદા પાણીના નિકાલ માટે અંદાજે રૂા. 2275 કરોડના પ્રોજેક્ટ અમલમાં મૂકી રહી છે. આ યોજનાના અમલ માટે 2021-22ના વર્ષના બજેટમાં રૂા. 758 કરોડની જોગવાઈ પણ કરવામાં આવેલી છે.
તેમણે કહ્યું હતું કે એક તરફ સરકાર ઉદ્યોગોને મદદ પણ કરે છે. સબસિડી પણ આપે છે. તદુપરાંત ઉદ્યોગોને નુકસાન થાય ત્યારે વળતર પેટે રકમ પણ ચૂકવવામાં આવે છે. આટઆટલી સહાય કર્યા પછીય ગુજરાતના ઔદ્યોગિક એકમો પ્રદુષણ ફેલાવતા ગંદા પાણી બહાર નાખે ત્યારે તેનો નિકાલ કરવા માટે પણ ગુજરાત સરકાર પ્રજાના વેરાના પૈસામાંથી જ ખર્ચ કરીને ઉદ્યોગોને મદદ કરવા આગળ આવે છે તે ઉચિત જણાતું નથી.
ઉદ્યોગો દ્વારા જનરેટ કરવામાં આવેલા પ્રદુષિત પાણી સરકાર હવે દરિયામાં ઠાલવવા જઈ રહી છે. દરિયાઈ જીવ સૃષ્ટિને આ દુષિત પાણી ખતમ કરી દેશે. દરિયાઈ જીવ સૃષ્ટિ પર જ રોજી અને આવક માટે નભતા સાગરખેડૂઓના વ્યવસાય પર તેની વિપરીત અસર પડી રહી છે.
માછીમારી પર જીવતા લોકોની આજીવિકા તેને કારણે છીનવાઈ જશે. પરિણામે ઉદ્યોગોના દૂષિત જળને દરિયામાં છોડવાની મંજૂરી આપવાને મુદ્દે સરકાર નવેસરથી ગંભીર વિચારણા કરે તે જરૂરી છે.
સરકાર તેમની હામાં હા કરનાર અધિકારીઓને નિવૃત્તિ પછી પણ વરસો સુધી નિમણૂક આપીને કામ પર ચાલુ રાખે છે. નિવૃત્તની સેવા લેવાનું બંધ કરવામાં આવશે તો જ નવાને નોકરી મળશે. અધિકારીઓ પણ પ્રજા પ્રત્યે વફાદારી રાખીને કામ કરવાને બદલે રાજકારણીઓ અને પ્રધાનોને વફાદાર રહીને કામ કરે છે તે ઉચિત નથી.
સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ પોઈન્ટ ઑફ ઓર્ડરને ગ્રાહ્ય રાખીને પુરાવાઓ રજૂ કરવા જણાવ્યું હતું. આ પુરાવાઓ જોયા પછી તેમનો નિર્ણય પણ આપવાની જાહેરાત કરી હતી. પરિણામે પૂંજાભાઈ વંશે સૌની યોજનાના સંદર્ભમાં તેમણે કરેલા આક્ષેપના અનુસંધાનમાં 11 જેટલા પુરાવાઓ રજૂ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પુુરાવાઓનો અભ્યાસ કરીને સ્પીકર તેમનો નિર્ણય આપશે.
વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે સરકાર ઉદ્યોગપતિઓ માટે લાલ જાજમ બિછાવતી હોવાના ગંભીર આક્ષેપો કર્યો હતા. સાથે 25 વર્ષનો વીજ ખરીદી કરાર કર્યો હતો છતાં અદાણીએ ભાવ વધારા માટે અરજી કરી તો વચગાળાના ભાવ વધારા પેટે 2 હજાર કરોડ રૂપિયા આપી દેવાયા છે. તેમણે કહ્યું કે, સરકાર સૂત્ર આપે છે કે ખાતો નથી, ખાવ દેતો નથી, પણ હકિકત એ છે કે ત્રણ ચાર ઉદ્યોગપતિઓ સિવાય બીજાનો વારો આવવા દેતો નથી.