દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે આવેલી સરકારી કોવિડ હોસ્પિટલ ખાતે તાજેતરમાં એક યુવાનનું મૃત્યુ નિપજતાં મૃતકના મોટાભાઈ દ્વારા વિવિઘ મુદ્દે સરકારી હોસ્પિટલના અધિકારીઓની કામગીરી સામે આક્ષેપો કરવામાં આવ્યા છે.
ખંભાળિયામાં રહેતા કાનાભાઈ દેવાભાઈ ગોરાણીયા નામના આશરે 42 વર્ષના યુવાનની ગત તારીખ 28 એપ્રિલના રોજ તબિયત લથડતાં અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને પ્રાથમિક સારવાર બાદ તારીખ 29 એપ્રિલના રોજ સવારે કોવિડ હોસ્પિટલમાં બેડ મળતા અહીં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં કાનાભાઈના પરિવારજનોને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. આ પછી ટૂંકા સમયગાળામાં હોસ્પિટલ તંત્ર દ્વારા તેમના પરિવારજનોને કાનાભાઈનું મૃત્યુ થયું હોવાના સમાચાર મોબાઈલ મારફતે આપવામાં આવ્યા હતા અને તેમની અંતિમવિધિ કોવિડ પ્રોટોકોલ મુજબ કરાવવામાં આવી હતી.
આ સમગ્ર પ્રકરણમાં હોસ્પિટલ તંત્ર દ્વારા કાનાભાઈ ગોરાણીયાનું મૃત્યુ કોરોનાના કારણે નહીં પરંતુ અન્ય બીમારીના કારણે થયું હોવાનું જણાવાયું હતું. પરિવારજનો દ્વારા આ મુજબ અંગે જણાવાયા મુજબ કાનાભાઈનું અવસાન કોરોનાની બીમારીના કારણે થયું છે. પરંતુ હોસ્પિટલ તંત્ર પોતાની ભૂલ છુપાવવા માટે ઈરાદાપૂર્વક કાનાભાઈની સારવાર અંગેના જરૂરી કેસ પેપર્સ આપતા નથી. આટલું જ નહીં, હોસ્પિટલના અધિકારી દ્વારા પરિવારજનો સાથે ઉદ્ધત વર્તન કરવામાં આવતું હોવાના આક્ષેપો મૃતકના મોટાભાઈને દ્વારા કરવામાં આવ્યા છે.
આ સમગ્ર પ્રકરણ અંગે હમીરભાઈ દેવાભાઈ ગોરાણીયા દ્વારા અહીંના જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીને સવિસ્તૃત લેખિત પત્ર પાઠવી, તેમના નાનાભાઈના મૃત્યુ અંગેની જરૂરી તપાસ કરવા અને તેમને લગતા તમામ ડોક્યુમેન્ટ પુરા પાડવા ઉપરાંત હોસ્પિટલ અધિકારી સામે યોગ્ય તપાસ કરવા માંગ કરવામાં આવી છે.
ખંભાળિયાની સરકારી કોવિડ હોસ્પિટલની કામગીરી સામે આક્ષેપો
મૃતકના જરૂરી પેપર્સ ન અપાતા ઉચ્ચકક્ષાએ રાવ