જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામે નરસંગ મંદિરની ખેતીની જમીન બોગસ દસ્તાવેજના આધારે પચાવ પાડવા અંગે ગુજસીટોક અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ પોલીસ અધિકારી દ્વારા આ કેસ રફેદફે કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે મંદિરના પૂજારી દ્વારા એસપીને રજુઆત કરવામાં આવી છે.
ધ્રાફાના નરસંગ મંદિરના પૂજારી રમેશગીરી દયાગીરી મેઘનાથીએ એસપીને આવેદનપત્ર પાઠવી કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, સરકાર દ્વારા તેમના મંદિરની સેવાપૂજા માટે જીવાય કરવા જમીન ફાળવવામાં આવી હતી. દરમ્યાન ધ્રાફાના નરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા દ્વારા ગેરકાયદેસર રીતે રમેશગીરીને વિશ્ર્વાસમાં લઇ બોગસ દસ્તાવેજના આધારે આ જમીન પોતાના છોકરાના નામે વેચાણ કરાવી લીધી હતી. તેમજ બાદમાં રમેશગીરીના બોગસ રાજીનામાના આધારે તેનું નામ પણ કમી કરાવી નાખ્યું હતું. આ અંગેની જાણ થતાં રમેશગીરીએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં નરેન્દ્રસિંહ જાડેજા વિરૂધ્ધ ગુજસીટોક અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદની તપાસ કરી રહેલાં શેઠવડાળા પોલીસ સ્ટેશનના એએસઆઇ સહદેવસિંહ જાડેજાએ યોગ્ય તપાસ કરવાને બદલે નરેન્દ્રસિંહની તરફેણમાં સમાધાન કરવા રમેશગીરી પણ દબાણ કર્યુ હોવાનું રજૂઆતમાં જણાવ્યું છે. આરોપી અને પોલીસ અધિકારી પારિવારિક સંબંધો ધરાવતા હોવાને કારણે આ કેસ રફેદફે કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમજ ફાઇલ બંધ કરવાની પેરવી કરવામાં આવી રહી છે. ત્યારે આ સમગ્ર કેસની યોગ્ય તપાસ થાય તે માટે તપાસનીશ અધિકારી સહદેવસિંહ જાડેજાને બદલે અન્ય કોઇ અધિકારીને તપાસ સોંપવા માંગણી કરવામાં આવી છે.