આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને સસ્પેન્ડ કર્યા બાદ વિપક્ષના સાંસદોએ સોમવારે સંસદની બહાર આખી રાત ધરણાં કર્યા હતા. મણિપુરમાં નગ્ન મહિલાઓની પરેડ સંબંધિત વાયરલ વીડિયોને લઈને દેશમાં માર્ગોથી લઈને સંસદ સુધી ભારે હોબાળો મચી ગયો છે. આપ સાંસદ સોમવારે સંસદના સત્ર દરમિયાન બે મહિલાઓ સાથે થયેલી નિર્દયતાના મુદ્દા પર ચર્ચા કરી રહ્યા હતા. આ તોફાની સત્ર દરમિયાન સંજયે વેલમાં રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની ખુરશી સામે વિરોધ કર્યો અને તેમને હાથ બતાવીને કંઈક કહ્યું. આ કારણે તેમને સમગ્ર મોનસૂન સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
ગૃહની કાર્યવાહી બાદ આપ નેતા સંજય સિંહે કહ્યું કે ગઈ રાત્રે અમે ગાંધી પ્રતિમાની સામે બેઠા હતા.તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ માગણી કરતાં કહ્યું, ’અમારી એક જ માંગ છે કે પીએમ મોદીએ મણિપુર મુદ્દે બોલવું જોઈએ. અમે અહીં વિરોધ કરવાનું ચાલુ રાખીશું અને હું હજુ પણ પીએમ મોદીને સંસદમાં આવવા અને મણિપુર મુદ્દે વાત કરવા વિનંતી કરી રહ્યો છુ સંજય સિંહ પર કરવામાં આવેલી કાર્યવાહીના વિરોધમાં વિપક્ષી સાંસદોએ સંસદની બહાર ધરણા પ્રદર્શન કર્યું હતું, જેમાં આપના સાંસદો સંજય સિંહ, સંદીપ પાઠક અને સુશીલ ગુપ્તા સાથે ટીએમસી નેતા ડોલા સેન, શાંતા છેત્રી જ્યારે કોંગ્રેસના ઈમરાન પ્રતાપગઢી, અમીબેન અને જેબી માથેર તેમજ સીપીએમ નેતા બિનોય વિશ્ર્વમ, સીપીઆઈ નેતા રાજીવ અને બીઆરએસ નેતાઓએ હાજરી આપી હતી. આપ સાંસદ સંજય સિંહે સંસદની બહારથી એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં તેઓ બેઠેલા જોવા મળી રહ્યા છે. આ સાથે તેમણે એક કેપ્શન પણ આપ્યું છે, જેમાં લખ્યું છે, ’દરેક રાતની એક સવાર હોય છે. સંસદ સંકુલ. બાપુની પ્રતિમા. મણિપુરને ન્યાય આપો.