ગુજરાત સહીત દેશભરમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને પરિણામે આજથી 8 મહાનગરોમાં શાળા કોલેજો 10 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેવામાં સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્રારા પણ મહામારીને ધ્યાનમાં લઇને નિર્ણય લેવામાં આવ્યો છે કે તા.20 માર્ચ પછીની તમામ પરીક્ષાઓ રદ કરવામાં આવશે. તો ગુજરાત યુનિવર્સિટી દ્રારા તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. આજે 1 પેપર લીધા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત રાજય સરકારની ગાઈડલાઈન અનુસાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય કર્યો છે. આગામી 20 માર્ચ પછી શરુ થનાર તમામ પરીક્ષાઓ મોકુફ રાખવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારની ગાઈડલાઈન મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી દ્વારા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે પરીક્ષાઓ ચાલુ છે તેમાં આવતીકાલનું છેલ્લુ પેપર યથાવત રાખી લેવામાં આવશે. મૌકુફ રાખવામાં આવેલ પરીક્ષાઓ અગામી સમયમાં લેવામાં આવશે. પરંતુ હાલ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને શાળા-કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવામાં આવશે.
રાજ્યમાં વધતા જતાં કોરોનાના સંક્રમણ વચ્ચે ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) દ્રારા પરિપત્ર જાહેર કરી પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ આ 8 મહાનગરો જેમાં અમદાવાદ, સુરત,વડોદરા, રાજકોટ,ગાંધીનગર, જામનગર, ભાવનગર, જુનાગઢમાં પરીક્ષાઓ પણ ઓનલાઈન લેવાશે. પરંતુ 8 મહાનગરો સિવાયના વિસ્તારોમાં શૈક્ષણિક કાર્ય વિકલ્પની સાથે ઓફલાઈન ચાલુ રાખવામા આવ્યુ છે. તેમજ મહાનગર સિવાયના વિસ્તારોમાં પરીક્ષાઓ ઓફલાઈન લઈ શકાશે.