આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં હર્ષદમીલની ચાલી પાસેના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીના પો.કો. કિશોર પરમાર, હેકો ધાના મોરી, વનરાજ મકવાણાને મળેલી બાતમીના આધારે જામનગર શહેરમાં હર્ષદમીલની ચાલી નજીક બાઇની વાડી પાસે આવેલા આવાસમાં ભાડે રહેતા જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજાના મકાનમાંથી એલસીબીની ટીમે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.34,800 ની કિંમતની 87 બોટલ દારૂ અને 10 હજારની કિંમતના બે મોબાઇલ મળી કુલ રૂા.44,800 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો ચોટિલાવાળા રાજુએ સપ્લાય કર્યો હોવાની કેફિયત આપી હતી. તેમજ જયેન્દ્રસિંહએ રણજીતસાગર રોડ પર આવેલી પ્રણામી ટાઉનશીપમાં રહેતાં દિનેશ ભગવાનજી ગુજરિયાને દારૂની બોટલો આપી હોવાનું જણાવતા એલસીબીએ દિનેશ ગુજરિયાની તેના ઘરેથી રૂા.8000 ની કિંમતની દારૂની 20 બોટલો કબ્જે કરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરમાં ગાંધીનગર સાંઈબાબા મંદિર પાછળથી પસાર થતા પાર્થ ઉર્ફે રોકી રાજેશ સોલંકી અને મેઘરાજસિંહ ઉર્ફે પિન્ટુ ચંદુભા ઝાલા નામના બે શખ્સોને સિટી બી પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.10 હજારની કિંમતની ઈંગ્લીશ દારૂની 20 બોટલ મળી આવતા બન્નેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગરમાં ઢીચડા રોડ પર આવેલી શિવ ટાઉનશીપમાં રહેતા સતિષ બાલકદાસ કાપડીના મકાનમાંથી એલસીબીની ટીમે તલાસી લેતા રૂા.2800 ની કિંમતની સાત બોટલ દારૂ મળી આવતા સતિષની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ચોથો દરોડો, જામનગર નજીક સમરસ હોસ્ટેલ પાસેથી જીજે-10-એઆર-0857 નંબરના બાઈક પર પસાર થતા શકિતસિંહ જેતમાલસિંહ સોઢા નામના શખ્સને તલાસી લેતા તેની પાસેથી રૂા.500 ની કિંમતની દારૂની એક બોટલ મળી આવતા હેકો એચી.બી. પાંડવ તથા સ્ટાફે તપાસ આરંભી હતી.