એર ઈન્ડિયા આવતા સપ્તાહથી તેની ડોમેસ્ટિક ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો કરવા જઈ રહી છે. એર ઈન્ડિયા એરલાઈન્સે ગુરૂવારે જણાવ્યું હતું કે તે 20 ઓગસ્ટથી 24 વધારાની સ્થાનિક ફ્લાઈટ્સનું સંચાલન કરશે. એરલાઈન્સ અનુસાર આ ફ્લાઈટ્સની મદદથી તેઓ દેશના મહત્વના શહેરોને વધુ સારી રીતે જોડવામાં સક્ષમ બનશે.ટાટા સન્સે ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં એરલાઈન્સનો કબ્જો મેળવ્યા બાદ આ વધારો કરવામાં આવ્યો છે. એરલાઈન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વધુ વિમાનોને સેવામાં લાવવાથી ઘરેલુ ક્ધટેક્ટીવિટીમાં વધારો થશે. ઘરેલુ ફ્લાઈટમાં વધારો થતાં મેટ્રો શહેરો વચ્ચે ફ્લાઈટ્સનું ટ્રાફિક પણ વધશે. 24 ઘરેલુ ફ્લાઈટ્સમાં દિલ્હીથી મુંબઈ, બેંગલોર અને અમદાવાદનો સમાવેશ થાય છે.
જ્યારે મુંબઈથી ચેન્નઈ અને હૈદરાબાદનો પણ સમાવેશ થયા છે. મુંબઈ – બેંગલોર રૂટ અને અમદાવાદ-પુણે રૂટ વચ્ચે પણ ફ્લાઈટ શરૂ કરાશે. એરલાઈન્સના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે વધારાની ફ્લાઈટ્સથી યાત્રીઓને મુસાફરીના નવા વિકલ્પ મળશે. ખાસ કરીને મોડી બપોરે અને સાંજના સમયે વધુ વિક્લ્પ ઉપલબ્ધ કરાશે. એરઈન્ડિયાના 54 વિમાન વર્તમાન સમયમાં સેવામાં છે, વર્ષ 2023 સુધીમાં વધુ 16 વિમાનોને સેવામાં લાવવામાં આવશે.