એર ઇન્ડિયા 68 વર્ષ બાદ ફરીથી ટાટા જૂથની માલિકી હેઠળની કંપની બની જશે. કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી બાદ સંભવત: 27 જાન્યુઆરીએ એર ઇન્ડિયાને ટાટા જૂથને સોંપવાની તૈયારી કરી લીધી છે. 20મી જાન્યુઆરી સુધીનો હિસાબ કરી નાખવાનો આદેશ પણ અધિકારીઓને કરવામાં આવ્યો છે.
એરલાઇન્સના ફાઇનાન્સ ડિરેક્ટર વિનોદ હેજમાદીએ અધિકારીઓને એક ઇમેલ મોકલ્યો છે. જેમાં જણાવ્યુ છે કે, એર ઇન્ડિયાનું ડિસઇન્વેસ્ટમેન્ટ હવે પ્રજાસત્તાક દિવસ પછી ગમે ત્યારે થઈ જશે. 20મી જાન્યુઆરી, 2022 સુધીની ક્લોઝિંગ બેલેન્સ શીટ સોમવાર સુધીમાં જમા કરવાનું કહ્યું હતું. એટલે કે 24મી જાન્યુઆરી ને સોમવારે અધિકારીઓએ બધો હિસાબ આપ્યો હતો. તેના કારણે એવી અટકળો ચાલી રહી છે કે સંભવત: 27મી જાન્યુઆરી ને ગુરૃવારે એરલાઈન્સની માલિકી ટાટા જૂથને આપી દેવાશે.
હિસાબ ટાટા જૂથના અધિકારીઓને મોકલવામાં આવ્યો છે અને એમાં જરૃરી સુધારા-વધારા હશે તે થઈ જાય એ માટે સમય આપવામાં આવ્યો છે. ટાટા જૂથના અધિકારીઓ એર ઈન્ડિયાની બેલેન્સ શીટ ચેક કરીને 26મી સુધીમાં સરકારી અધિકારીઓને જાણકારી આપશે. તે પછી સત્તાવાર રીતે સોંપણીની પ્રક્રિયા હાથ ધરાશે.
એર ઈન્ડિયાના પ્રવક્તાએ આ મુદ્દે કોઈ જ ટીપ્પણી કરી ન હતી. પરંતુ ઈ-મેઈલમાં અધિકારીઓને આ સપ્તાહમાં ખૂબ જ વ્યસ્ત રહેવાની તૈયારી રાખવા વિનંતી કરવામાં આવી હતી. એર લાઈન્સના હિસાબી અધિકારીઓના સૂત્રોને ટાંકીને અહેવાલો રજૂ થયા હતા એ પ્રમાણે ચાલુ સપ્તાહમાં એર ઈન્ડિયાના બધા જ હકો ટાટાને આપી દેવાશે.
ગત વર્ષે ઓક્ટોબર માસમાં ટાટા જૂથે રૃ.18,000 કરોડમાં ખોટ ખાતી સરકારી વિમાન કંપની એર ઇન્ડિયાને ખરીદી લીધી હતી. એક રીતે એર ઈન્ડિયાની આ ઘરવાપસી છે. એર ઈન્ડિયાની સ્થાપના ટાટા એરલાઈન્સના નામથી 1932માં થઈ હતી. આઝાદી બાદ 1953થી આ એરલાઈન્સ ભારત સરકાર હસ્તક આવી ગઈ હતી અને ત્યારબાદ તેનું નામકરણ એર ઈન્ડિયા થયું હતું.