ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર પ્લેટીનમ હોટલ નજીક જામનગર તરફ પુરપાટ અને બેફિકરાઇથી આવતી કારએ સામેથી આવતા બાઇકચાલકને હડફેટે લીધો હતો. આ અકસ્માતમાં બાઇકચાલક એરફોર્સના જવાનનું ગંભીર ઇજા થવાથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયું હતું. આ બનાવ અંગે પોલીસે કારચાલક વિરૂઘ્ધ અકસ્માતનો ગુનો નોંધી તેની અટકાયત કરવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની મળતી વિગત મુજબ ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે પાંચ કિલોમીટર દૂર પ્લેટિનમ હોટલ નજીકથી જામનગર તરફ પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જીજે05-જેક્યુ-2885 નંબરના ટાટા જેસ્ટ મોટરકારના ચાલકે આ માર્ગ પર જેકે02-બીએસ-3580 નંબરના મોટરસાયકલ પર બેસીને ખંભાળિયા તરફ દૂધ તથા શાકભાજી લેવા માટે જઈ રહેલા એરફોર્સના જવાન સોહમસિંગ સુખદેવસિંહને પાછળથી ઠોકરે લેતા તેમને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગેની જાણ ભારતીય સેનાના નાયબ સુબેદાર બાલાસાહેબ બાપુ ચૌધરીએ કરતાં પી.એસ.આઈ. વી. આર. વસાવા તથા સ્ટાફ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી તેને પીએમ માટે મોકલ્યો હતો. કારના ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી તેની અટકાયત સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.


