ગુજરાતમાં રાજકીય સમીકરણો બદલાયા અને નવા મંત્રીમંડળના ફેરફારથી વિધાનસભાની વહેલી ચૂંટણીની આશંકા લાગી રહી છે. રાજકીય પાર્ટીઓ તેની તૈયારીઓમાં લાગી છે. ત્યારે AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસી આવતીકાલે સોમવારે વહેલી સવારે ગુજરાત આવી રહ્યા છે.ઓવૈસી અમદાવાદમાં આખો દિવસ રોકવાના છે.
એરપોર્ટથી હોટેલમાં રોકાણ બાદ સવારે 9:30 થી 10 વાગ્યે તેઓ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના પૂર્વ બાહુબલી સાંસદ અને 103 હત્યાના જેમના પર આરોપ છે તેવા અતિક અહેમદને મળશે. બપોરે પત્રકાર પરિષદ બાદ સાંજે ટાગોર હોલમાં નવનિયુક્ત હોદ્દેદારો સાથે મુલાકાત કરશે.
2022ની ચૂંટણી માટે તેઓ હાલ રણનીતિ બનાવવા માટે પાર્ટીના વરિષ્ટ નેતાઓને મળશે. જેમાં બપોરે પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા અને બુદ્ધિજીવી લોકો સાથે મુલાકાત પણ કરશે. અમદાવાદમાં ઓવૈસી પત્રકારો સાથે પણ મળશે. તેમજ શહેરમાં બે અલગ અલગ મિટિંગમાં પણ હાજર રહેશે. હવે ઓવૈસીની પાર્ટી 2022માં 85થી 90 જેટલી સીટ પર ચૂંટણી લડવાનો પ્લાન કરી રહી છે.