કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે બાળકો પર તેનો વધુ ખતરો જણાવવામાં આવી રહ્યો છે અને આ જ કારણથી અનલોકની પ્રક્રિયા બાદ પણ શાળાઓને હજુ ખોલવામાં નથી આવી. જો કે એમ્સના ડાયરેકટર ડો. રણદીપ ગુલેરીયાએ ત્રીજી લહેરની આશંકા વચ્ચે પણ સ્કૂલો ખોલવાની તરફેણ કરી છે અને આ માટે ખાસ રણનીતિ બનાવવાનું સૂચન પણ કર્યું છે. ડો. ગુલેરીયાએ કહ્યુ છે કે તમામ રાજ્ય સરકારોએ ખાસ રણનીતિ પર કામ કરી સ્કૂલો ખોલવા પર વિચાર કરવો જોઈએ. દેશના મોટાભાગના રાજ્યોમાં ગત માર્ચથી પ્રથમ લોકડાઉન લાગુ થયા બાદ શાળાઓ બંધ છે અને હવે તેને ફરીથી ચાલુ કરવા પર કામ કરવાની જરૂર છે. કોરોના કાળમાં વર્ચ્યુઅલી કલાસ ચાલી રહ્યા છે અને છાત્રો પોતાના ઘરેથી અભ્યાસ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર ધીમે-ધીમે અનલોકની પ્રક્રિયા આગળ વધારવાના ક્રમમાં ઓકટોબર મહિનામાં સ્કૂલો ખોલવાની પરવાનગી પણ આપી હતી પરંતુ અનેક રાજ્યોમાં છાત્રો સંક્રમિત થયા બાદ આ ફેંસલાને પરત લેવામા આવ્યો હતો અને સ્કૂલો પર ફરીથી મહામારીનુ તાળુ લટકી ગયુ હતું. અંગ્રેજી અખબારના રીપોર્ટ અનુસાર ડો. ગુલેરીયાએ કહ્યુ છે કે ઠું સ્કૂલોને ફરીથી ખોલવાનુ સમર્થન કરૂ છું, પરંતુ સ્કૂલો એવા જિલ્લાઓમાં શરૂ કરવામાં જ્યાં કોરોનાના સૌથી ઓછા કેસ છે.
એવામાં જે જિલ્લામાં સંક્રમણનો દર પ ટકાથી નીચે હોય ત્યાં સ્કૂલો ફરી ખોલી શકાય છે. એમ્સના ડાયરેકટરે બાળકોમાં સંક્રમણના દરની માહિતી આપતા કહ્યુ હતુ કે દેશમાં વાયરસનો શિકાર બનેલા બાળકોની સંખ્યા ઘણી ઓછી છે અને મોટાભાગના બાળકોની ઈમ્યુનિટી ઘણી મજબૂત છે. તેમણે કહ્યુ હતુ કે અનેક બાળકોમાં તો વાયરસ સામે લડવા માટે કુદરતી ઈમ્યુનીટી તૈયાર પણ થઈ ચૂકી છે. એવામાં જે બાળકો ઓનલાઈન કલાસ માટે સક્ષમ નથી તેમના માટે સ્કૂલોને ફરી ખોલવી જોઈએ.
ડો. ગુલેરીયાએ એ બાબત પર ભાર મુકયો હતો કે સ્થિતિની સતત સમીક્ષા થવી જોઈએ અને જો સંક્રમણ ફેલાવાની સ્થિતિબને તો તત્કાલ શાળાઓ બંધ પણ કરી શકાય તેમ છે. તેમણે કહ્યુ હતુ કે વૈકલ્પીક રીતે બાળકોને શાળાએ મોકલી શકાય છે. આ સિવાય અનેક રીત પણ છે જે હેઠળ સ્કૂલો ફરી શરૂ કરી શકાય. તેમણે કહ્યુ હતુ કે કોરોના પ્રોટોકોલનું પાલન કરતા માસ્ક અને સોશ્યલ ડોસ્ટન્સ સાથે સ્કૂલ ખોલી શકાય છે. સાથે જ ત્યાં યોગ્ય રીતે વેન્ટીલેશનની પણ જરૂર પડશે. બાળકો માટે વેકસીન પર તેમણે કહ્યુ હતુ કે આ વર્ષના સપ્ટેમ્બર સુધીમાં બાળકોની રસી આવી જશે કારણ કે બાળકો પર કોવેકસીનની કલીનીકલ ટ્રાયલથી મેળવવામાં આવેલ પ્રારંભિક ડેટા આ બાબતની ઉમ્મીદ પેદા કરે છે.