રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ અને સાંસદ પૂનમબેન માડમે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જામનગર શહેરના વિકાસ તથા અન્ય આનુસંગિક પ્રશ્નોના નિવારણ માટે જિલ્લા કલેક્ટર બી.એ.શાહ સહિત જામનગર મહાનગરપાલિકા તથા જાડાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી ચર્ચા વિચારણા કરી હતી.
મંત્રીએ આ તકે જામનગરના ભાગોળે આવેલ નાઘેડી, લાખાબાવળ, માધાપર-ભુંગા, ભાવપરા, ગોવર્ધન ગ્રીન સોસાયટી તથા શહેરના અન્ય વિસ્તારોમાં ડ્રેનેજની સુવિધા, સ્ટ્રીટલાઈટ, નિયમિત પીવાનુ પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા, ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા, જે.એમ.સી.ની સીટી બસ સેવા લંબાવવા અંગેની રજૂઆત, માર્ગો પરના ગાંડા બાવળ દુર કરવા, માંગણી મુજબના સ્થળોએ આંગણવાડી મંજુર કરવી તથા રોડ-રસ્તાને લગતા પ્રશ્ર્નો અંગે લગત અધિકારીઓ સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી અને સત્વરે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેકટર બી.એ.શાહ, અધિક કલેક્ટર બી.એન.ખેર, જામનગર વિસ્તાર વિકાસ સતામંડળના મુખ્ય કારોબારી અધિકારી જિજ્ઞાશા ગઢવી, ઈ.નાયબ મ્યુનિસીપલ કમિશનર ભાવેશ જાની, કાર્યપાલક સ્ટેટ તથા પંચાયત, સર્વે પ્રાંત અધિકારીઓ તથા આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.