Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરવર્ષો બાદ આખરે જામનગર એસટી ડેપોનું થશે નવિનીકરણ

વર્ષો બાદ આખરે જામનગર એસટી ડેપોનું થશે નવિનીકરણ

આજે સાંજે વાહન વ્યવહાર મંત્રી અને સાંસદ સહિતના મહાનુભાવોના હસ્તે થશે ખાતમુર્હુત : નવિનીકરણના ખર્ચ, ડિઝાઇન અને સુવિધા અંગેની કોઇ માહિતી સ્થાનિક તંત્ર પાસે નથી : વર્ષો પહેલાં તે સમયના એસટીના ડિરેકટર રમેશ મુંગરાએ પીપીપીના ધોરણે વિકસાવવાની કરી હતી જાહેરાત

- Advertisement -

વર્ષો બાદ ખખડધજ જામનગર એટી ડેપોનું નવિનીકરણ થવા જઇ રહયું છે. ચૂંટણી આચાર સંહિતાને ધ્યાનમાં રાખીને એસટી તંત્ર અને સરકાર દ્વારા આજે તાબડતોબ નવા એસટી ડેપોના બાંધકામનું ખાતમુર્હુર્ત યોજવામાં આવ્યું છે. આજે સાંજે મહાનુભાવોના હસ્તે એસટી ડેપોના કામનું ખાતમુર્હુત કરવામાં આવશે. જો કે, એસટી ડેપોના નવિનીકરણ અંગેના ખર્ચ તેમજ ડિઝાઇન સહિતની કોઇ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી નથી.

- Advertisement -

જામનગર એસટી ડેપોને નવા રંગરૂપ આપવા માટે ખાતમુહુર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજયના ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી,જામનગરના મેયર વિનોદભાઇ ખીમસૂર્યા, સાંસદ પૂનમબેન માડમ અને જિલલા પંચાયત પ્રમુખ મેયબેન ગરસરના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ધારાસભ્યો દિવ્યેશ અકબરી, રિવાબા જાડેજા, મેઘજીભાઇ ચાવડા પણ ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, દોઢ દાયકાથી પણ વધુ સમયથી જામનગર એસટી ડેપોના નવિનીકરણનો મુદો લટકતો રહ્યો છે. રાજયમાં જયારે સૌ પહેલી વખત પીપીપી યોજના જાહેર થઇ ત્યારે આ યોજના અંતર્ગત જામનગર એસટી ડેપોને વિકસાવવાનું તે સમયના એસટી બોર્ડના ડિરેકટર રમેશ મુંગરા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ આ યોજના અંતર્ગત રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત સહિતના અનેક શહેરોના એસટી ડેપો અદ્યતન રીતે વિકસિત થયા પરંતુ જામનગર ડેપોની જાહેરાત સૌ પ્રથમ થઇ હોવા છતાં વિકાસ લટકતો રહ્યો. દરમ્યાન થોડા સમય પહેલાં જામનગર ઉતરના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા એસટી ડેપોના ડેવલોમેન્ટ માટે રાજય સરકારમાં રજૂઆત કરવામા આવી હતી. આખરે હવે જયારે થોડા દિવસોમાં ચૂંટણીની જાહેરાત થવા જઇ રહી છે ત્યારે આચારસંહિતા લાગુ થાય તે પહેલાં જ જામનગર ડેપોના નવિનીકરણનું ખાતમુર્હુર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેથી વિકાસ આડે કોઇ અડચણ ઉભી ન થાય. અલબત જામનગર ડેપોના નવિનીકરણની કોઇ બ્લુ પ્રિન્ટ એસટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી નથી. નવિનીકરણનું ખર્ચ તેની ડિઝાઇન, સુવિધાઓ અને કેટલા સમયમાં પૂર્ણ થશે તે અંગેની કોઇ આગોતરી જાણકારી આપવામાં આવી નથી. ઉપરાંત અન્ય શહેરોની જેમ જામનગર ડેપોને ડેવલોપ કરવામાં આવશે કે પછી માત્ર નવું બિલ્ડીંગ ઉભું કરી દેવામાં આવશે. તે અંગે પણ કોઇ સતાવાર સ્પષ્ટતા તંત્ર દ્વારા કરવામાં આવી નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular