ટોક્યો ઓલિમ્પિકની તૈયારીમાં વ્યસ્ત બનેલા ભારતીય રેસલર બજરંગ પૂનિયાએ છેલ્લી 30 સેક્ધડમાં બે પોઇન્ટ મેળવીને માતિયો પેલિકોન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને પોતાના ટાઇટલને બચાવી રાખવા ઉપરાંત પોતાની વેઇટ કેટેગરીમાં ફરીથી નંબર-1નો તાજ હાંસલ કરી લીધો હતો. મંગોલિયાના કુલ્ગા તુમૂર ઓચિર સામે 65 કિલોગ્રામ વેઇટ ગ્રૂપની ફાઇનલમાં બજરંગ છેલ્લી પળો સુધી 0-2થી પાછળ ચાલી રહ્યો હતો, પરંતુ છેલ્લી 30 સેકન્ડમાં તેણે બે પોઇન્ટ હાંસલ કરીને સ્કોર 2-2થી સરભર કરી દીધો હતો. ભારતીય રેસલરે છેલ્લો પોઇન્ટ બનાવ્યો હોવાના કારણે તેને ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યો હતો.
બજરંગ આ ઇવેન્ટમાં પોતાના વેઇટ ગ્રૂપના રેન્કિંગમાં બીજા ક્રમે હતો, પરંતુ માતિયો પેલિકોન ઇવેન્ટમાં 14 પોઇન્ટ મેળવીને તે ટોચના ક્રમે પહોંચી ગયો હતો. નવી રેન્કિંગ આ ટૂર્નામેન્ટના આધારિત છે અને આ કારણથી ગોલ્ડ મેડલ જીતનાર રેસલર નંબર-1નું સ્થાન હાંસલ કરી રહ્યો છે. વિશાલ કાલીરમણે નોન-ઓલિમ્પિક 70 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં પ્રભાવશાળી દેખાવ કર્યો હતો અને તેણે કઝાકસ્તાનના સીરબાજ તાલગતને 5-1ના સ્કોરથી હરાવીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. ભારતે વર્ષની પ્રથમ રેન્કિંગ સિરીઝમાં સાત મેડલ્સ જીત્યા છે. વિમેન્સ કેટેગરીમાં વિનેશ ફોગાટે ગોલ્ડ અને સરિતા મોરેએ સિલ્વર મેડલ મેળળ્યો હતો.