ઉત્તરપ્રદેશ બાદ દેશના વધુ એક રાજ્યમાં ફિલ્મ સીટી બનાવવાની ઘોષણા કરવામાં આવી છે. હરિયાણા સરકારે રાજ્યના 2 શહેરોમાં ફિલ્મ સિટી બનાવવાની જાહેરાત કરી છે. શુક્રવારે હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે નાણાકીય વર્ષ 2021-22નું બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે રાજ્યના 2 શહેરોમાં ફિલ્મ સિટી બનાવવામાં આવશે, ચંડીગઢની બાજુમાં પીન્જૌર શહેરમાં અને એનસીઆર ગુરુગ્રામમાં ફિલ્મસીટી બનાવવામાં આવશે. મનોહરલાલ ખટ્ટર પાસે રાજ્યનો નાણા વિભાગ પણ છે. તેથી તેઓએ જ બજેટ રજુ કર્યું હતું.
હરિયાણા સરકારનું ફોકસ રાજ્યમાં સિનેમા ઉદ્યોગને પ્રોત્સાહિત કરવાનું છે. જેના માટે આ બે જગ્યાએ ફિલ્મસીટીનું નિર્માણ કરવામાં આવશે. એનસીઆર ગુરુગ્રામમાં જે ફિલ્મસીટી બનાવવામાં આવશે તેના માટે 100 એકર સુધીની જમીન નક્કી કરવામાં આવી છે. હરિયાણા ઐતીહાસીક સ્થળો આવનાર દિવસોમાં ફિલ્મ શુટિંગના લોકેશન માટે ઉભરાઈ પડશે.જણાવી દઈએ કે પીન્જૌરમાં વિશ્વવિખ્યાત યદુવેન્દ્ર ગાર્ડન છે.
હરિયાણા સરકારે શુક્રવારે નાણાકીય વર્ષ 2021-22 માટે 1.55 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં આરોગ્ય, કૃષિ અને માળખાગત ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રાજ્ય વિધાનસભામાં પોતાનું બીજું બજેટ રજૂ કર્યું.
હરિયાણા ઉપરાંત ઉત્તરપ્રદેશ સરકાર પણ નોયડાની બાજુમાં મહત્વકાંક્ષી ફિલ્મસીટી બનાવી રહી છે. ત્યાં 1000 એકર જમીનમાં ફિલ્મસીટી બનવાની શરૂઆત પણ થઇ ચુકી છે.