કાલાવડ તાલુકાના મુળિલા ગામમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા વૃધ્ધના બે પુત્રના છેલ્લાં બે વર્ષ દરમિયાન નિધન થવાથી એકલવાયા જીવનથી કંટાળીને રવિવારે તેના ખેતરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ધ્રોલ તાલુકાના ખાખરા ગામના વાડી વિસ્તારમાં રહેતાં પ્રૌઢે માનસિક બીમારીથી કંટાળી જઇ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ કાલાવડ તાલુકાના મુળિલા ગામમાં રહેતા તેજાભાઈ બાવાભાઈ ચાવડા (ઉ.વ.82) નામના વૃધ્ધના બે પુત્રો છેલ્લાં બે વર્ષ દરમિયાન મોત થયા હોય જેથી એકલવાયા જીવનથી કંટાળીને રવિવારે સવારના સમયે મુળિલા ગામની સીમમાં ગઢવાડા વિસ્તારમાં આવેલા ખેતરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની કાંતિભાઈ ચાવડા દ્વારા જાણ કરાતા હેકો એન.કે.છૈયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, ધ્રોલ તાલુકાના ખાખરા ગામમાં રહેતાં અને ખેતી કરતા સહદેવસિંહ બહાદુરસિંહ જાડેજા (ઉ.વ.51) નામના પ્રૌઢને પાંચ વર્ષથી માનસિક બીમારી થઈ હતી અને આ બીમારીની સારવાર અમદાવાદના તબીબ પાસે ચાલુ હતી. દરમિયાન પ્રૌઢે માનસિક બીમારીથી કંટાળીને ગત તા.5 ના સોમવારે સાંજના સમયે ખાખરા ગામની સીમમાં આવેલા તેના ખેતરમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં પ્રૌઢને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે એએસઆઈ એમ.પી. મોરી તથા સ્ટાફે મૃતકના પુત્ર નિર્મળસિંહના નિવેદનના આધારે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.