આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલ વિક્રમી સપાટીએ હોવાથી ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાની પરંપરા ચાલુ રહી છે. ગુજરાતમાં આજે પણ ઈંધણના ભાવમાં વધારો થતા પેટ્રોલ બાદ હવે ડીઝલના ભાવ પણ પ્રતિ લીટર રૂ.100ની સપાટી વટાવી ગયા છે. વધી રહેલી મોંઘવારીના પરિણામે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
જામનગર સહીત રાજ્યભરમાં આજે પેટ્રોલના ભાવમાં 29 પૈસા અને ડીઝલના ભાવમાં 38 પૈસાનો વધારો થયો છે. પરિણામે પેટ્રોલના ભાવ રૂ.101.18 અને ડીઝલના ભાવ રૂ.100.40 ની સપાટી વટાવી ગયા છે. ગુજરાતમાં સૌપ્રથમ ભાવનગરમાં પેટ્રોલ અને ડીઝલ રૂ. ૧૦૦ને પાર ગયા હતા. ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના સૌથી ઊંચા ભાવ અહીં હોય છે.
દેશની સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન(આઇઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(બીપીસીએલ)અને હિંદુસ્તાન પેટ્રાલિયમ કોર્પોરેશન લિમિટેડ(એચપીસીએલ) દ્વારા ૨૪ સપ્ટેમ્બરથી ડીઝલના ભાવ અને ૨૮ સપ્ટેમ્બરથી પેટ્રોલના ભાવ વધારવાનું શરૃ કર્યુ છે. ત્યારથી લઇને અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં ૨.૯૫ રૂપિયા અને ડીઝલના ભાવમાં ૪.૨૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.