ચીનમાંથી વર્ષ 2020માં કોરોના વાઈરસે ફેલાવાનું શરૂ કર્યુ હતું અને આ વાઈરસની વિશ્વમાં સો પ્રથમ દસ્તક ઇટલીમાં આપી હતી. હવે ફરી એકવાર કોરોનાએ માથુ ઉંચક્યુ છે ત્યારે સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ચીનમાંથી ઇટલીના મિલાન પહોંચેલી બે ફ્લાઈટમાં અડધાથી વધુ મુસાફરો કોવિડ પોઝીટીવ આવ્યા છે. હવે ઇટલીએ ચીનથી આવતા તમામ મુસાફરો માટે છઝઙઈછ ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. ચીનમાં કોવિડ-19ના બીએફ-7 વેરિઅન્ટે કહેર મચાવ્યો છે. ચીનમાં હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ છે અને સ્મશાનની બહાર મૃતદેહોના ઢગલા છે. આવી ભયાનક સ્થિતિ વચ્ચે તેમનો નિર્ણય વિશ્વને ભારે પડી શકે છે. હાલ ઘણા દેશોમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. ચીને માર્ચ 2020થી તેની સરહદો બંધ કરી દીધી હતી. હવે સુત્રોમાંથી મળતા સમાચાર મુજબ ચીને પોતાના દેશની સરહદો ખોલી દીધી છે. આ નિર્ણયની વચ્ચે ચીનથી બે ફ્લાઈટ્સ ઈટલીના મિલાન પહોંચી ગઈ છે. લોમ્બાર્ડીની પ્રાદેશિક પરિષદ ગુઇડો બર્ટોલાસોએ જણાવ્યું હતું કે પ્રથમ ફ્લાઇટના 92 મુસાફરોમાંથી 35 અને બીજી ફ્લાઇટના 120 મુસાફરોમાંથી 62 કોવિડ પોઝિટિવ હતા. હવે અમેરિકા પાંચમો દેશ છે જેણે ચીનથી આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. ચીને ફરી એકવાર સામાન્ય પાસપોર્ટ અને વિઝા આપવાનું શરૂ કરી દીધુ છે. કોવિડ ત્રણ વર્ષ પહેલા શરૂ થયો ત્યારે ચીને આ પ્રક્રિયાને પ્રતિબંધિત કરી હતી. ચીન દ્વારા સંચાલિત હોંગકોંગમાં પણ ભૂતકાળમાં કોવિડ પોઝીટીવ હોય તેવા લોકો માટે ક્વોરેન્ટાઈન નિયમો સમાપ્ત કર્યા હતા. ચીને જાહેરાત કરી છે કે 8 જાન્યુઆરીથી ચીનના નાગરિકો નવા વર્ષની ઉજવણી કરવા વર્ષ 2020 બાદ પહેલીવાર ચીની નાગરિકો વિદેશ જઈ શકશે. ચીનીના નાગરિકો નાતાલની ઉજવણી કરવા જાપાન, થાઈલેન્ડ, દક્ષિણ કોરિયા, અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જવાની તૈયારી કરી રહ્યા છે. વર્ષ 2020માં કોવિડની પહેલી લહેર દરમિયાન જે સ્થિતિ પ્રવર્તી હતી તે ફરી એકવાર ન બને તેમ ઘણા લોકોને ડર છે. ઇટલીમાં ફરીથી કોરોના ફેલાવવાનું કારણ ચીનના પ્રવાસીઓ બની શકે છે. અમેરિકા, ઈટાલી, જાપાન, ભારત અને તાઈવાને ચીનના પ્રવાસીઓ માટે ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે.