Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીય15 મહિના પછી, 6 પૈકી 4 વિવાદી વિસ્તારોમાંથી ભારત અને ચીનની સેનાઓ...

15 મહિના પછી, 6 પૈકી 4 વિવાદી વિસ્તારોમાંથી ભારત અને ચીનની સેનાઓ પાછળ હટી

- Advertisement -

એપ્રિલ-મે 2020થી પૂર્વ લદ્દાખમાં એલએસી પર સામસામે આવી ગયેલી ભારત અને ચીનની સેનાઓ પાછી ખેંચવાની તબક્કાવાર ચાલી રહેલી પ્રક્રિયામાં વધુ એક સફળતા અંતર્ગત એલએસી પર મહત્ત્વના પેટ્રોલિંગ પોઇન્ટ મનાતા ગોગરા પોસ્ટ ખાતેથી બંને દેશે સેનાઓ પાછી ખેંચી લીધી છે. 4 અને 5 ઓગસ્ટના રોજ આ કાર્યવાહી પૂરી કરી લેવામાં આવી હતી.

ભારતીય સેનાએ શુક્રવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, પૂર્વ લદ્દાખમાં ચુશુલ મોલ્દો પોસ્ટ ખાતે 31 જુલાઇના રોજ ભારત અને ચીનના કોર્પસ કમાન્ડરો વચ્ચેની 12મા રાઉન્ડની મંત્રણામાં એલએસી પર બાકી રહેલા સરહદી વિવાદોના ઉકેલ માટે બંને દેશના અધિકારીઓ વચ્ચે ઊંડાણપૂર્વક ચર્ચા થઇ હતી અને મે 2020થી ગોગરા ખાતે સામસામે તહેનાત સેનાઓ પાછી ખેંચવા ગોગરા પોસ્ટ ખાતેથી સેનાઓ પાછી ખેંચી લેવા અંગે સમજૂતી સાધી શકાઇ હતી.

ભારતીય સેનાએ જણાવ્યું હતું કે, 31 જુલાઇએ થયેલી સમજૂતી અનુસાર 4 અને 5ાંચ ઓગસ્ટના રોજ બંને સેનાએ ગોગરા વિસ્તારમાંથી તેની ફોરવર્ડ તહેનાતી તબક્કાવાર રીતે પાછી ખેંચી લીધી હતી. હવે બંને દેશની સૈનિક ટુકડીઓ તેમના પરમેનન્ટ બેઝ ખાતે પહોંચી ચૂકી છે. સરહદી વિવાદના સમયગાળામાં બંને સેના દ્વારા ગોગરા પોસ્ટ વિસ્તારમાં ઊભા કરાયેલા તમામ હંગામી માળખા અને સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તોડી પડાયાં હતાં. આ વિસ્તારની જમીન બંને દેશ વચ્ચે વિવાદ સર્જાયો તે પહેલાંની સ્થિતિમાં લાવી દેવામાં આવી છે.

બંને દેશની સેના ગોગરા પોસ્ટ વિસ્તારમાં સમજૂતીનો ચુસ્ત અમલ કરવા અને યથાસ્થિતિમાં કોઇ બદલાવ નહીં કરવા સહમત થઇ છે. વધુ એક સંવેદનશીલ વિસ્તારમાંથી સેના પાછી ખેંચવામાં સફળતા બાદ બંને દેશે લદ્દાખમાં એલએસી ખાતેના વેસ્ટર્ન સેક્ટરમાં બાકી રહેલા સરહદી વિવાદોનો ઉકેલ લાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ભારતીય સેના અને આઇટીબીપી એલએસી ખાતે શાંતિ જાળવવા અને દેશની સંપ્રભુતાનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે.

ભારતીય સેનાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે હવે ફક્ત હોટ સ્પ્રિંગ અને ડેપસાંગ પ્લેઇન્સના સરહદી વિવાદનો ઉકેલ બાકી રહ્યો છે. લદ્દાખમાં વર્ષ 2020માં એલએસી પર સરહદી વિવાદો સર્જાયા તે પહેલાંથી ડેપસાંગ પ્લેઇન્સમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે સરહદી વિવાદ ચાલી રહ્યો છે. હવે આ વિસ્તારોના બાકી રહેલા વિવાદો ઉકેલવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. હાલ લદ્દાખમાં એલએસી નજીક ભારત અને ચીનના પચાસથી સાઇઠ હજાર સૈનિકો તહેનાત છે. પેંગોંગ ત્સો લેક વિસ્તારમાંથી સેના પાછી ખેંચાયા પછી પણ બંને સેનાએ તહેનાતીમાં કોઇ ઘટાડો કર્યો નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular