Monday, December 23, 2024
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છ143 વર્ષ પછી એશિયાટીક સિંહ બરડા વન્યજીવ અભયારણ્યમાં ફરી દેખાયો

143 વર્ષ પછી એશિયાટીક સિંહ બરડા વન્યજીવ અભયારણ્યમાં ફરી દેખાયો

આ અદ્ભૂત ઘટનાક્રમ બરડાને ગીરના સિંહોના બીજા ઘર તરીકે સ્થાપિત કરે છેઃ પરિમલ નથવાણી

- Advertisement -

બરડા વન્યજીવ અભયારણ્યમાં રેડિયો કૉલર લગાવેલા નર સિંહે દેખા દેવાની સાથે, ગુજરાત અને ભારતના ગર્વ એવા એશિયાટીક સિંહોએ પોરબંદર નજીક બરડા વન્યજીવ અભયારણ્યમાં પોતાનું નવું અને બીજું ઘર શોધી લીધું છે. બરડામાં સિંહ છેક સન્ 1879માં છેલ્લે દેખાયો હોવાનું નોંધવામાં આવ્યું હતું, તેમ ગીર સિંહોના પ્રેમી અને ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું.

- Advertisement -

પરિમલ નથવાણીએ માહિતી આપી હતી કે લગભગ સાડાત્રણ વર્ષની ઉંમરનો નર સિંહ જાન્યુઆરી 18, 2023ના રોજ બરડા અભયારણ્યમાં પ્રવેશ્યો હતો. આ સિંહ પોરબંદર વન્યજીવ વિભાગની રાણાવાવ રેન્જમાં રાણાવાવ રાઉન્ડની મોટા જંગલ બીટમાં દેખાયો હતો. આ નર સિંહને પ્રથમ વખત ઓક્ટોબર 3, 2022ના રોજ પોરબંદર વન્યજીવ વિભાગના માધવપુર રાઉન્ડમાં જોવામાં આવ્યો હતો. દરીયાકાંઠાના જંગલો અને ખરાબામાં વિવિધ રહેણાંકોમાં લગભગ ત્રણ મહિના વિતાવ્યા બાદ આ નર સિંહ બરડા વન્યજીવ અભયારણ્યમાં પ્રવેશ્યો હતો. આ સિંહ પર દેખરેખ રાખવા માટે ગુજરાતના વન વિભાગ દ્વારા ઓક્ટોબર 29, 2022ના રોજ તેને રેડિયો કૉલર લગાવવામાં આવ્યો હતો, એમ પરિમલ નથવાણીએ ઉમેર્યું હતું.

નોંધપાત્ર છે કે ‘પ્રોજેક્ટ લાયનઃ લાયન@47 વિઝન ફોર અમૃતકાલ’ દસ્તાવેજ અનુસાર, વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતના બરડા વન્યજીવ અભયારણ્યની એવા સંભવિત સ્થાન તરીકે ઓળખ કરીને ચકાસણી કરવામાં આવી છે જ્યાં 40 વયસ્ક અને સબ-વયસ્ક સિંહો કુદરતી ક્રમમાં છૂટા પડીને બરડા-આલેચ ટેકરીઓ અને દરીયાકાંઠાના જંગલોમાં રહી શકે.

- Advertisement -

“વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગિરના સિંહોના મહત્વને જાણ્યું હતું અને આ કિમતી વન્યજીવની સમૃધ્ધિ માટેનો રોડમેપ તૈયાર કર્યો હતો. સિંહ અને વન્યજીવ પ્રેમી તરીકે હું ખૂબ જ ખુશ છું કે એશિયાટીક સિંહો કુદરતી રીતે ગુજરાતમાં જ અલગ થઈ રહ્યા છે અને તેમાંથી એક પોતાની મેળે જ કુદરતી રીતે બરડા વન્યજીવ અભયારણ્યમાં પહોંચ્યો. મને આશા છે કે ગુજરાતના વન વિભાગ અને સ્થાનિક સમુદાયોની સંયુક્ત દેખરેખ હેઠળ થયેલા સિંહના  કુદરતી અને આપમેળે જ થયેલાં સ્થળાંતરને પ્રોજેક્ટ લાયન હેઠળ ભારત સરકાર અને પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા વધારે પ્રોત્સાહન આપવામાં અને મજબૂત બનાવવામાં આવશે,” એમ સાંસદ (રાજ્યસભા) અને ડાયરેક્ટર- કોર્પોરેટ અફેર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું.

“આપણાં સિહોંની ભલાઈ માટે એટલાં જ આતુર અને ચિંતાતુર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ફોરેસ્ટર અને વન્યજીવ પ્રેમીઓ માટે મોટીવેશન અને પ્રોત્સાહનના સ્ત્રોત છે,” એમ પરિમલ નથવાણીએ ઉમેર્યું હતું.

- Advertisement -

પરિમલ નથવાણીએ ઉમેર્યું હતું કે, “બરડા વન્યજીવ અભાયરણ્યને એશિયાટીક સિંહોના બીજા ઘર તરીકે વિકસાવવા માટે અમારા તરફથી જે પણ મદદની જરૂરી હોય તે પૂરી પાડવા માટે હું તૈયાર છું.”

ગુજરાત રાજ્યના વન વિભાગે બરડા વન્યજીવ અભયારણ્યને એશિયાટિક સિંહો માટેના બીજા ઘર તરીકે ઓળખ કરી છે, જ્યાં કુદરતી રીતે છૂટા પડીને સિંહો સ્થાપિત થશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ગીરના ઘણાં વિસ્તારો સાથે ઇકો-ક્લાયમેટીક અને માનવ સમુદાયની સમાનતા બરડા વન્યજીવ અભયારણ્યને એશિયાટીક સિંહો માટે સાનુકૂળ ઘર બનાવે છે.

સિંહની તેમના બીજા ઘર તરફનું કુદરતી સ્થળાંતર ઐતિહાસિક ઘટના છે અને બરડા વન્યજીવ અભયારણ્યના સમાન સાનુકૂળ વાતાવરણમાં આ રાજવી પ્રાણીની વધતી જતી સંખ્યાને રહેઠાણ પૂરું પાડવા તરફનો માર્ગ મોકળો કરશે, જ્યાં છેલ્લે તેમની હાજરી 1879માં નોંધાઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular