Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં ધારાશાસ્ત્રી હારૂન પલેજાની સરાજાહેર હત્યા

જામનગર શહેરમાં ધારાશાસ્ત્રી હારૂન પલેજાની સરાજાહેર હત્યા

થોડા સમય અગાઉ કોર્ટ રૂમની બહાર લોબીમાં જ ધમકી અપાઈ : 15 શખ્સો દ્વારા પ્રાણઘાતક હથિયારો વડે પૂર્વ આયોજીત કાવતરુ રચી જીવલેણ હુમલો : હોસ્પિટલે પહોંચે તે પહેલાં જ મોતથી બનાવ હત્યામાં પલ્ટાયો : પોલીસ અધિક્ષક સહિતના સ્ટાફ દ્વારા હત્યારાઓને દબોચી લેવા પેટ્રોલિંગ અને કોમ્બીંગ : વકીલ મંડળમાં આક્રોશ

- Advertisement -

જામનગર શહેરના બેડી વાછાણી મીલ પાસે ગઈકાલે સાંજના 6:30 વાગ્યાના અરસામાં ધારાશાસ્ત્રી અને મુસ્લિમ વાઘેર સમાજના આગેવાન તેના બુલેટ પર જતાં હતાં ત્યારે સરાજાહેર એક ડઝનથી વધુ શખ્સોએ સશસ્ત્ર જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવી હતી. ધારાશાસ્ત્રીની સરાજાહેર કરાયેલી હત્યામાં આક્રોશમાં 12 એસોસિએશને આજે કોર્ટ કાર્યવાહીથી અડગા રહી વિરોધ પ્રદર્શન કર્યુ હતું અને પોલીસવડા તથા ટીમે બેડી વિસ્તારમાં બનાવ બાદથી સતત કોમ્બીંગ અને પેટ્રોલિંગ હાથ ધરી હતિયારાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -

હત્યાના બનાવની વિગત મળતી વિગત મુજબ, જામનગર શહેરના બેડી વિસ્તારમાં રહેતાં અને વાઘેર સમાજના આગેવાન ધારાશાસ્ત્રી હારૂનભાઈ કાસમભાઈ પલેજા બુધવારે સાંજના 6:30 વાગ્યા અરસામાં રોજુ છોડવા માટે બુલેટ પર જતાં હતાં તે દરમિયાન વાછાણી ઓઇલ મીલ પાસેના રોડ પર પહોંચ્યા ત્યારે એકાએક તેના ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેના કારણે ધારાશાસ્ત્રી બુલેટ પરથી નીચે પટકાયા હતાં. ત્યારબાદ ડઝન એક જેટલા શખ્સોએ છરી, પાઈપ, ધોકા જેવા પ્રાણઘતક હથિયારો વડે જીવલેણ હુમલો કરતા ધારાશાસ્ત્રી લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતાં. હુમલાખોરો નાશી ગયા હતાં બાદમાં લોહી લુહાણ હાતલમાં ધારાશાસ્ત્રીને જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું. હુમલામાં મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

સરાજાહેર ધારાશાસ્ત્રીની હત્યા કરાતા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જે એન ઝાલા, એલસીબી, એસઓજી, સિટી બી પીઆઈ તથા સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલે અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. હોસ્પિટલે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા ધારાશાસ્ત્રીના પરિવારજનો અને વકીલો હોસ્પિટલ દોડી આવ્યા હતાં. હત્યાના આ બનાવ અંગે મૃતક ધારાશાસ્ત્રી હારૂન પલેજાના ભત્રીજા અને કોર્પોરેટર નુરમામદ ઓસમાણ પલેજા દ્વારા નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ હારૂન પલેજા વકીલ હોય અને ગત વર્ષે રજાક નુરમામદ સાયચા તથા અફતર અનવર ચમડિયા તથા અફરોજ તૈયબ ચમડિયા વિરૂધ્ધ દાખલ થયેલા ગુનાના કેસમાં જામીન અરજી દરમિયાન ફરિયાદી પક્ષે વકીલ તરીકે હારૂન પલેજા રોકાયેલા હતાં ત્યારે સુનવણી દરમિયાન લોબીમાં ફરિયાદી ઈસાકભાઈ હુંદડા તેના વકીલ સાથે ત્યાંથી નિકળતા રજાક ઉર્ફે સોપારી, ઉમર ઓસમાણ ચમડિયા, શબીર ઓસમાણ ચમડિયા નામના ત્રણ શખ્સોએ રોકીને ઈસાકભાઈ તથા વકીલ હારૂનભાઈ પલેજાને ગાળો આપી કેસ પાછો ખેંચીલેવા તમામને મારી નાખવાની ધમકી આપી હતી.

- Advertisement -

ત્યારબાદ બુધવારે સાંજના સમયે ધારાશાસ્ત્રી હારૂન પલેજા રોજુ છોડવા બુલેટ પર જતાં હતાં ત્યારે જીએમબી કોલોની પાસે બસીર જુસબ સાયચા, ઈમરાન નુરમામદ સાયચા, રમઝાન સલીમ સાયચા, સીકંદર નુરમામદ સાયચા, રીઝવાન ઉર્ફે ભુરો અસગર સાયચા, જાબીર મહેબુબ સાયચા, દિલાવર હુશેન કકલ, સુલેમાન હુશેન કકલ, ગુલામ જુસબ સાયચા, એઝાજ ઉમર સાયચા, અસગર જુસબ સાયચા, મહેબુબ જુસબ સાયચા, રજાક ઉર્ફે સોપારી, ઉમર ઓસમાણ ચમડિયા અને શબીર ઓસમાણ ચમડિયા સહિતના 15 શખ્સોએ પૂર્વ આયોજીત કાવતરુ રચી છરી, પાઈપ, ધોકા, લોખંડના ગોળા જેવા પ્રાણ-ઘાતક હથિયારો વડે હારૂન પલેજા ઉપર જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવી હતી. પીઆઈ એચ.પી. ઝાલા તથા સ્ટાફે નુરમામદ પલેજાના નિવેદનના આધારે હત્યા, પૂર્વ આયોજીત કાવતરુ અને રાયોટીંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ધારાશાસ્ત્રીની સરાજાહેર હત્યા કરાતા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, શહેર ડીવાયએસપી જે.એન. ઝાલા, એલસીબી પીઆઈ બી.એન. ચૌધરી, વી.એમ. લગારીયા સહિતનો સ્ટાફ હોસ્પિટલે અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે હોસ્પિટલે અને ઘટનાસ્થળે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ધારાશાસ્ત્રીની હત્યા થતા સમાજના આગેવાનો અને વકીલ મંડળ હોસ્પિટલે દોડી ગયું હતું. પોલીસ દ્વારા ગઈકાલ સાંજથી બેડી વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને કોમ્બીંગ હાથ ધરી હતિયારાઓને ગણતરીની કલાકોમાં જ ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular