જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલી અમન ચમન સોસાયટીમાં રહેતાં પ્રૌઢનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક સંકળામણ અનુભવતા હોવાના કારણે બે વર્ષથી ગૃહ કંકાસ ચાલતી હતી. દરમિયાન પ્રૌઢે આર્થિક સંકળામણથી કંટાળીને તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલી અમન ચમન સોસાયટી શેરી નં.4 માં રોઝી સ્કૂલ પાસે રહેતા અને રીક્ષા ચલાવતા હનીફભાઈ મુસાભાઈ બબ્બર (ઉ.વ.52) નામના પ્રૌઢનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી છેલ્લાં બે વર્ષથી ગૃહ કંકાસ ચાલતી હતી અને ધંધો ન ચાલતા આર્થિક સંકળામણ અનુભવતા પ્રૌઢે જિંદગીથી કંટાળીને શનિવારે સવારના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે મૃતકની પત્ની શહેનાઝબેન દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. દાતણિયા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની પત્નીના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


