જામનગર શહેરના જુના કુંભારવાડા વિસ્તારમાં રહેતાં માનસિક બિમાર પ્રૌઢ તેના ઘરે અકસ્માતે પાણીના ટાંકામાં પડી જતાં મોત નિપજયું હતું. જામનગર શહેરના રામેશ્વરનગરમાં રહેતાં વૃધ્ધને તબિયત લથડતાં સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મોત નિપજયું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં નાગનાથ ગેઇટ પાસે આવેલાં જુના કુંભારવાડામાં રહેતાં દિપક રમણીકલાલ મહેતા(ઉ.વ.57) નામના પ્રૌઢને છેલ્લાં 10 વર્ષથી માનસિક બિમારી હતી દરમ્યાન પ્રૌઢ રવિવારે વહેલી સવારના સમયે તેના ઘરે અકસ્માતે પાણીના ટાંકામાં પટકાતાં શરીરે અને માથામાં ઇજા પહોંચતા સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં બનાવની મૃતકના ભાઇ ભરતભાઇ દ્વારા જાણ કરતાં હેકો.એન.એફ.જાડેજા તથા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ જામનગર શહેરના રામેશ્વરનગર શિવમ્ એસ્ટેટમાં રહેતાં ચંદ્રકાંતભાઇ શાંતિલાલ પંડયા(ઉ.વ.80)નામના વૃધ્ધને છેલ્લાં 10 વર્ષથી ડાયાબિટીસની બિમારી હતી અને આ બિમારી દરમ્યાન રવિવારે તબિયત લથડતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. જેના આધારે એએસઆઇ એ.બી.ચાવડા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેરમાં પાણીના ટાંકામાં પડી જતાં પ્રૌઢનું મૃત્યુ
10 વર્ષથી માનસિક બિમાર પ્રૌઢ અકસ્માતે ટાંકામાં પટકાયા : જી.જી.હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી : જામનગર શહેરમાં બિમારી સબબ વૃધ્ધનું મોત