Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં બાળાઓ દ્વારા માઁ આદ્યશક્તિની આરાધના

જામનગરમાં બાળાઓ દ્વારા માઁ આદ્યશક્તિની આરાધના

જામનગર સહિત હાલારમાં માઁ જગદંબાના આરાધના પર્વનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ : નવ દિવસ સુધી ધૂપ-દિવા-આરતી સાથે માતાજીની પૂજા-અર્ચનાનો પ્રારંભ

- Advertisement -

છોટીકાશી તરીકે પ્રસિધ્ધ જામનગર શહેરમાં દેવાધિદેવ મહાદેવની ભક્તિ અને વિઘ્નહર્તા ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થયા બાદ ગઇકાલથી માઁ શક્તિની ભક્તિના પાવનપર્વ નવરાત્રીનો પ્રારંભ થયો છે.

નવરાત્રીનો પ્રારંભ થતાં જ ભક્તોમાં અનેરો ઉત્સાહ છવાયો હતો. ગઇકાલે નવરાત્રીના પ્રથમ દિવસે માઇ ભક્તોએ શુભ મુહુર્તમાં માતાજીનું ઘટસ્થાપન કર્યા બાદ રાત્રીના શેરી ગરબીઓમાં રાસ-ગરબાની રમઝટ જામી હતી.

- Advertisement -

આદ્યશક્તિ જગત જનનીની આરાધનાના મહાપર્વનો ગઇકાલથી પ્રારંભ થયો છે. ભાવિકો નવરાત્રીના નવ દિવસ સુધી ભક્તિમાં રસતળબોળ થશે. પ્રથમ નોરતે લોકોએ શ્રધ્ધાભેર ઘરના પૂજાઘરમાં કે મંદિરમાં ગરબાનું સ્થાપન કર્યું હતુ. તેમજ માતાજી માટે ચુંદડી, ફૂલહાર તથા ડેકોરેટીવ હાર, પ્રસાદ, તોરણ સહિતની ચીજવસ્તુઓની ખરીદીઓ કરવામાં આવી હતી. સંધ્યા સમયે લોકોએ ઘરમાં માતાજીની આરતી કરી પ્રથમ નોરતાથી નવરાત્રીની ઉજવણીનો પ્રારંભ કર્યો હતો. ઠેર-ઠેર રોશનીના જગમગાટ જોવા મળ્યા હતાં. આરતી, છંદ, દિપ-ધૂપ, અનુષ્ઠાન સહિતના ધાર્મિક કાર્યોનો પ્રારંભ થઇ ચૂકયો છે. પ્રથમ નોરતાથી જ જામનગર સહિત સમગ્ર હાલાર પંથક માતાજીની ભક્તિમાં રંગાયુ હતું.

જામનગર શહેરમાં રણજીતનગર, લીમડાલાઇન, સાતરસ્તા, સાધના કોલોની, પટેલ કોલોની, શાક માર્કેટ, કડિયાવાડ, હાપા, ચાંદીબજાર સહિતના અનેક સ્થળોએ માઁ જગદંબાનુ સ્થાપન કરી રાત્રે બાળાઓ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. ગતવર્ષે કોરોના મહામારીના કારણે નવરાત્રીની ઉજવણી ઉપર પ્રતિબંધ હોય, સાદગીપૂર્વક બેઠા ગરબા યોજાયા હતાં. તો અનેક ગરબીના સંચાલકોએ ગરબા બંધ રાખ્યા હતાં. જ્યારે આ વર્ષે કોરોનાના કેસો ઘટતાં રાજ્ય સરકાર દ્વારા 400 લોકોની ઉપસ્થિતિની મંજુરીમાં ગરબાની છૂટ આપી છે. ત્યારે આ વર્ષે શેરી ગરબીઓમાં બાળાઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.

આમ છતાં શહેરમાં કેટલીક અર્વાચિન ગરબીઓએ આ વર્ષે પણ ગરબીઓ બંધ રાખી હતી. જ્યારે મોટાભાગના વિસ્તારોમાં વર્ષોથી યોજાતી પ્રાચીન ગરબીઓ કેટલાંક ગરબા મંડળો, જ્ઞાતિ મંડળો દ્વારા 400 લોકોની મર્યાદામાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

જો કે, પાર્ટી પ્લોટોમાં રાસ-ગરબા મહોત્સવની મંજૂરી ન હોય, યુવાહૈયાઓ નિરસ થયા છે. ગતવર્ષે કોરોનાના કારણે યુવાધન નવરાત્રી મહોત્સવ ઉજવી શકયું ન હતું અને આ વખતે પણ સરકારની મનાઇ હોવાના કારણે યુવાધન નિરાસ થયું છે. આ ઉપરાંત શેરી ગરબીઓની સાથે કેટલાંક એપાર્ટમેન્ટોમાં પણ લોકોએ ગરબા રમી નવરાત્રી પર્વની ઉજવણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular