જામનગર શહેરમાં પંચેશ્વરટાવર પાસેથી એકટીવા પર પસાર થતા શખ્સને આંતરીને પોલીસે તલાસી લેતા તેના કબ્જામાંથી 270 નંગ ચપલા અને બાઈક તથા મોબાઇલ મળી કુલ રૂપિયા એક લાખનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કાલાવડમાં ઓરડીમાં રહેતાં શખ્સને ત્યાં રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.8250 ની કિંમતની 20 બોટલ મળી આવતા શખ્સની શોધખોળ આરંભી હતી.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં પંચેશ્વરટાવર રોડ પરથી ગુરૂવારે મધ્યરાત્રિના એકટીવા પર પસાર થતા શખ્સને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા દિપક નંદલાલ સોઢા નામના શખ્સના કબ્જામાંથી રૂા.27,000 ની કિંમતના ઈંગ્લીશ દારૂના 270 નંગ ચપલા મળી આવતા પોલીસે દારૂનો જથ્થો અને રૂા.70,000 ની કિંમતનું એકટીવા તથા 5000 ની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.1,02,000 ના મુદ્દામાલ સાથે કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં આ દારૂનો જથ્થો વૈભવ ચતવાણીના કહેવાથી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો જશવંતસિંહ જાડેજાને આપવાનો હોવાની કેફિયત આપી હતી. જેથી પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી બે શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો દરોડો, કાલાવડ ગામમાં કાશ્મીરપરામાં પતરાની ઓરડીમાં રહેતા મનોજ દિનેશ ગોહિલ નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા ઓરડીમાંથી રૂા.8250 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 20 બોટલ મળી આવતા પોલીસે મનોજ ગોહિલ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.