પ્રકાશનું પર્વ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે લોકો દિવાળી પૂર્વેની ઘરની સફાઇ કરવામાં વ્યસ્ત થયા છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાએ પણ દિવાળી કાઢી છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનરની સૂચનાથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા લોખંડનો ભંગાર વેચવાની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરમાં વિવિધ વોર્ડમાં મુકવામાં આવેલ કચરાના ડસ્ટબીન ઉપરાંત કચરો એકત્ર કરવાની ગાડી સહિતના સાધનો તૂટયા બાદ તેમજ ખરાબ હાલતમાં તેને એકત્રિત કરવામાં આવ્યા હોય, તેનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના રાજભા જાડેજાએ જણાવ્યું હતું કે, વિવિધ વોર્ડમાંથી એકત્ર થયેલ લોખંડનો ભંગાર વેચવાની કામગીરી કમિશનરની સૂચના અનુસાર હાથ ધરવામાં આવી હતી.