જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજે સવારથી જ જામનગર શહેરના લાલ બંગલા સર્કલ નજીક જિલ્લા પંચાયત સર્કલ, ક્રિકેટ બંગલો, લીમડાલાઈન, વિકાસ ગૃહ રોડ સહિતના માર્ગો પરથી દુકાનધારકોએ કરેલ દબાણો હટાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જામનગર શહેરમાં અનેક વિસ્તારોમાં રેંકડીઓ, કેબિનોના દબાણોને પરિણામે ટ્રાફિક સહિતની સમસ્યાઓ સર્જાતી હોય છે. ચા પાનની દુકાનો, ખાણીપીણીના રેંકડીધારકો દ્વારા ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે રેંકડી-કેબિનોની સાથે ટેબલ ખુરશીઓ સહિતના દબાણો ખડકી દેવામાં આવતા હોય છે. જેને લઇ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા જામનગરમાં છેલ્લાં ચાર-પાંચ દિવસથી કડક પગલાં લેવા વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવવા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જામનગરમાં ગઈકાલે એસ્ટેટ શાખા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે સાત રસ્તા સર્કલથી ખોડિયાર કોલોની સુધીના માર્ગો પર દબાણો હટાવ્યા હતાં. જેમાં કેનાલ પર ખડકાયેલા ઝૂપડા પણ તોડવામાં આવ્યા હતા ત્યારે આજે સવારથી લાલ બંગલા, જીલ્લા પંચાયત સર્કલ, તુલસી હોટલ થી ક્રિકેટ બંગલો, લીમડાલાઈન, વિકાસ ગૃહ સહિતના જુદા જુદા વિસ્તારોમાં દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.
જેમાં ખાણીપીણીની દુકાનધારકો દ્વારા ખડકાયેલ ગેરકાયદેસર દબાણો તથા દુકાનધારકોના માલસામાન તથા રેંકડીકેબિનો તેમજ દુકાન બહાર મૂકેલા લોખંડના સ્ટેન્ડ સહિતના સાધનો દૂર કરવામાં આવ્યા હતાં.


