દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચોમાસાની ઋતુમાં દરિયો તોફાની તથા જીવલેણ બનવાની સંભાવના હોવાથી સક્ષમ અધિકારી દ્વારા દરિયામાં માછીમારી કરવા જવા સામે પ્રતિબંધ ફરમાવતો હુકમ કરવામાં આવ્યો છે. આ જાહેરનામા છતાં પણ કોઈપણ પ્રકારની પરવાનગી વગર દરિયામાં માછીમારી કરવા ગયેલા કુલ 14 શખ્સો સામે જાહેરનામા ભંગની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
તે અંતર્ગત ખંભાળિયા તાલુકાના સલાયા ગામના અભરામ ઈસમાઈલ સંઘાર, ઈકબાલ દાઉદ સુંભણીયા અને જુનસ અલારખા ગંઢાર નામના ત્રણ શખ્સો સામે જાહેરનામા ભંગની કલમ 188 તથા ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઉપરાંત દ્વારકાના જોડિયા પીરની દરગાહ પાસેના દરિયામાં માછીમારી કરવા સબબ કાસમ ઉમર ધોકી, ઉમર ઓસમાણ લુચાણી, સલીમ અલી ભેંસલીયા, સુલેમાન અબ્દુલ ભેંસલીયા અને દાઉદ જુમા ખરાઈ નામના શખ્સો સામે જ્યારે ઓખામાં વરજાંગ નાથા બામણીયા, કાના કાળા સેવરા, અને યોગેશ જગુ ચુડાસમા નામના શખ્સો સામે પોલીસે જાહેરમાં ભંગની કલમ મુજબ ગુનો નોંધી અટકાયત કરી હતી. આ ઉપરાંત ઓખામાં કોડીનાર તાલુકાના કપિલ ચુડાસમા, પ્રવીણ ગોવિંદ રાઠોડ અને ચુનીભાઈ રામજી રાઠોડ સામે પણ કલમ 188 અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. પરંતુ ઉપરોક્ત ત્રણ શખ્સો ફરાર જાહેર થયા છે.