Saturday, December 21, 2024
Homeરાજ્યહાલારઈન્સ્ટાગ્રામ પર ગેમિંગ એપ બાબતે ઓનલાઈન છેતરપિંડી કરનાર આરોપી જયપુરથી ઝડપાયો

ઈન્સ્ટાગ્રામ પર ગેમિંગ એપ બાબતે ઓનલાઈન છેતરપિંડી કરનાર આરોપી જયપુરથી ઝડપાયો

ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાનું કહીને છેતરપિંડી આચરનારા શખ્સની અટકાયત

- Advertisement -

ઈન્સ્ટાગ્રામ ઉપર ગેમિંગ એપ બાબતે ઓનલાઈન છેતરપિંડી કરનાર શખ્સને દ્વારકા સાઈબર ક્રાઈમ પોલીસે જયપુર ખાતેથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ઓન લાઈનના વિવિધ પ્રકારે આચરવામાં આવતા ગુના તેમજ ઠગાઈના અલગ અલગ પ્રકારના કેસો દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે આવા કેસોના નિકાલ તેમજ આરોપીઓને દબોચી લેવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાની સાયબર ક્રાઇમ સેલ પોલીસ દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. જે સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના એક આસામીને ઈન્સ્ટાગ્રામ પર ગેમિંગ આઈડી વેચવાની જાહેરાત સંદર્ભે વિશ્વાસમાં લઈ, અને તેની સાથે છેતરપિંડી થયાનો બનાવ થોડા સમય પૂર્વે સાયબર ક્રાઇમ સેલ પોલીસ સમક્ષ નોંધાવવામાં આવ્યો હતો.

આ પ્રકરણમાં અહીંના જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જિલ્લા સાયબર ક્રાઇમ વિભાગે મૂળ સુધી પહોંચીને આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. જે સંદર્ભે સાયબર સેલ પી.આઈ. વી.કે. કોઠીયા તેમજ તેમની ટીમ દ્વારા રાજસ્થાન રાજ્યના સવાઈ માધોપુર તાલુકાના શેરપુર ગામના મૂળ રહીશ એવા ભગવાનદાસ કજોડસિંહ પહાડિયા નામના 24 વર્ષના શખ્સને જયપુર (રાજસ્થાન) ખાતેથી ઝડપી લીધો હતો.

- Advertisement -

બી.એ. સુધી અભ્યાસ કરી ચૂકેલા અને હાલ કોઈપણ જાતની ધંધાકીય પ્રવૃત્તિ ન કરતા આરોપી ભગવાનદાસ પહાડિયા દ્વારા ઈન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી અને ગેમિંગ આઈ.ડી. વેચવાની જાહેરાત મૂકીને અરજદાર આસામી પાસેથી ગેમિંગ આઈ.ડી.ના નાણા મેળવીને છેતરપિંડી આચરવામાં આવતી હોવાની કબુલાત તેણે પોલીસ સમક્ષ આપી હતી. ઝડપાયેલા આ શખ્સ પાસેથી પોલીસે રૂપિયા 1.20 લાખની કિંમતનો આઈફોન કબજે લીધો છે.

ઓન લાઈન ફ્રોડના વધુ એક કિસ્સામાં ઓખા મંડળમાં રહેતા એક આસામીને ફોન પર તેમની ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાનું કહી અને વિશ્વાસમાં લીધા બાદ ઓટીપી મેળવીને તેમની તેમના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. 58,001 ની રકમ સેરવી લઈ લેવા સબબ ઓખા મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

- Advertisement -

છેતરપિંડીના આ કેસમાં સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ આદરીને મહારાષ્ટ્ર રાજ્યના પુણે જિલ્લાના ગંગાનગર ખાતે રહેતા વિનાયક દામોદર ચૌધરી નામના 46 વર્ષના શખ્સને ઝડપી લીધો હતો. માત્ર આઠ ચોપડી ભણેલા અને ખાનગી સિક્યુરિટીમાં કામ કરતા વિનાયક દામોદર ચૌધરીએ ફરિયાદીના નાણાં પોતાના એકાઉન્ટમાં જમા કરાવી અને ફ્રોડ કર્યો હોવાની કબુલાત પોલીસ સમક્ષ આપી હતી.

આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. વી.કે. કોઠીયા, પી.એસ.આઈ. એસ.વી. કાંબલીયા, હેડ કોન્સ્ટેબલ હેમંતભાઈ કરમુર, હેભાભાઈ ચાવડા, ધરણાંતભાઈ બંધીયા, મુકેશભાઈ કેસરિયા, પબુભાઈ ગઢવી, રાજુભાઈ ઢેબાણીયા, દિવ્યરાજસિંહ ઝાલા અને અજયભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવી હતી.

ઓન લાઈન પેમેન્ટ તથા ખરીદીના કિસ્સામાં ખાસ તકેદારી રાખવા તેમજ કોઈપણ પ્રકારના ઓટીપી શેર ન કરીને સોશિયલ મીડિયા પર ફરતી રહેતી લોભામણી જાહેરાતોથી દૂર રહેવા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular