પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ અત્યાર સુધી ભાંગફોડની પ્રવૃત્તિ કરવા માટે માણસોની ભરતી કરી તેમને ટ્રેનિંગ આપી ભારત વિરોધી પ્રવૃત્તિ કરાવી દેશને નુકસાન પહોંચાડવાની કોશિશ કરતું આવ્યું છે. જોકે ભારતીય ગુપ્તચર એજન્સીઓ તેમના કાવતરાને નિષ્ફળ બનાવી રહ્યાં હોવાનું જણાતા તેમણે સોશિયલ મીડિયા મારફતે યુવાનોને સંપર્કમાં લઇ પૈસાની લાલચ આપીને આવી પ્રવૃત્તિને અંજામ આપવાનું ષડયંત્ર ધડ્યું હતું. જેનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કરીને ત્રણ યુવાનોની ધરપકડ કરી છે.
અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ દ્વારા ગુપ્ત માહિતી આપવામાં આવી હતી. આ માહિતીના પગલે ક્રાઇમ બ્રાન્ચે કરેલી તપાસમાં કાલુપુર રેવડી બજારની દુકાનોમાં આગ લગાવીને નુકસાન કરવાની પ્રવૃત્તિ શહેરના ત્રણ યુવાનો ભૂપેન્દ્ર ઉર્ફે પ્રવીણ આનંદભાઈ વણજારા(ઉં.26,રહેં. સત્યમનગર ગેટ પાસે, અમરાઇવાડી) અનિલ રણજીતભાઇ ખટીક (ઉં.22,રહે. શિવાનંદનગર, અમરાઈવાડી) અને અંકિત ઈશ્વરભાઈ પાલ (ઉં.22, રહે. સત્યમનગર, અમરાઈવાડી)એ પાકિસ્તાનથી હવાલા મારફતે પૈસા મેળવીને કરી હોવાનું ખુલ્યું હતું. પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં સોશિયલ મીડિયા દ્વારા આ ત્રણ યુવાનોનો સંપર્ક કરવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને થોડા દિવસ પહેલાં સેન્ટ્રલ એજન્સી દ્વારા મેસેજ મળ્યો હતો કે, કાલુપુરવાલા કામ હો ગયા હૈ. આ મેસેજ મળતા કમિશનરે પોતે તપાસ કરાવી કે કઈ મોટી ઘટના બની? કાલુપુરના આગ સિવાય કોઈ ઘટના ન હોવાનું સામે આવ્યું હતું. આ તપાસ તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી અને આ ઘટનામાં તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચે પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈના ટેરરના નવા મોડ્યુઅલનો પર્દાફાશ કર્યો છે.
માર્ચ 2020માં લોકડાઉન થયું અને અનેક લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હતા. તે સમયે અનેક લોકોની નોકરી છૂટી ગઈ હતી. ત્યારે આ મજબૂરીનો ફાયદો લેવા પાકિસ્તાનની આઇએસઆઇ પણ પોતાના સોફ્ટ ટાર્ગેટ શોધવા એક્ટિવ થઈ ગઈ હતી.આ સમયે વિશ્વના અલગ અલગ દેશના સર્વરનો ઉપયોગ કરીને આઇએસઆઇએ આતંકવાદી સંગઠન બનાવવા માટે આખી ટીમ કામે લગાડી દિધી હતી. આ વખતે કોઈ ખાસ ધર્મના લોકોને બદલે લોકોની જરૂરિયાત પ્રમાણે ફસાવીને તેમની પાસે આતંકી કૃત્ય કરાવવું હતું.
જે માટે હાજી મસ્તાનના ફોટો સાથે રાજા ભાઈ કંપની નામનું ફેસબુક પેજ બનાવ્યુ હતું. આ પેજ પર હેન્ડલર હથિયાર અને ગુનેગારોની વાતો લખતો હતો. જેથી તેમાં અનેક લોકો લાઈક કરવા લાગ્યા હતા. આ પેજ પર અમદાવાદનો ભુપેન્દ્ર ઉર્ફે પ્રવીણ અનંદભાઈ વણઝારા પેજ લાઈક કર્યું હતું.ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય મંડલિકે જણાવ્યુ હતું કે, આ પેજ પર ભુપેન્દ્ર સાથે આઇએસએ હેન્ડલર વાતો કરતો હતો અને તેને રૂપિયાની જરૂર હતી. જે માટે એને સોફ્ટ ટાર્ગેટ લોકોની જેમાં ભુપેન્દ્ર ફસાઈ ગયો હતો. ભુપેન્દ્રને હેન્ડલર કોઈ કામ કરવા માટે દોઢ લાખ રૂપિયા આપવાનો હતો. જે માટે પહેલા આંગડિયા પેઢીને 10 રૂપિયાની નોટ અને મનોજ ભાઈ કહેવાની વાત કરી હતી.
રેવડી બજારની પાંચ દુકાનમાં આગ લગાડવા માટે આરોપીઓને દોઢ લાખ દુબઈથી મુંબઈ, મુંબઈથી અમદાવાદ હવાલો આવ્યો હોવાનું ખુલ્યું છે. ઉપરાંત, ભૂપેન્દ્ર ઉર્ફે પ્રવીણ ફેસબુકથી બાબા પઠાણ નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો. તપાસ કરતા કરાચીનું આઈપી એડ્રેસ મળ્યું હતું. આરોપી યુક્રેન, આફ્રિકાના નંબર વાપરતા હતા.
પોલીસે સીસીટીવી અને બાઈકના નંબરના આધારે તપાસ કરી તો તેઓ ભુપેન્દ્ર સુધી પહોંચ્યા અને ત્યારબાદ તેનો સાથી પકડાયો હતો. આ સમગ્ર બનાવમાં રૂપિયા ક્યાંથી આવ્યા તેની તપાસ કરતા જાણવા મળ્યું કે, પહેલા મુંબઈ તેની આગળ દુબઇ અને તેનાથી આગળ કોંગોથી રૂપિયાનો હવાલો પાડ્યો હતો.પોલીસને VPN અને VOIP સિસ્ટમાં કડી મળી અને 2 દિવસમાં આખી આઇએસએ ષડ્યંત્ર હોવાની વિગતો સામે આવી અને હેન્ડલર અને એના પાકિસ્તાનના કરાંચીના આઈપી શોધવામાં સફળતા મળી હતી.
બાબાભાઈ-રાજાભાઈ એન્ડ કંપની નામના સોશિયલ મીડિયા એકાઉન્ટથી પાકિસ્તાનના આરોપીઓએ શહેરના કોઈ નામચીન વ્યક્તિની હત્યા કરવાનું કામ સોંપી આરોપી પ્રવીણના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા, જેમાં પ્રવીણે તેના મિત્ર કુલદીપ જાંગીડ દ્વારા એમપીના સેંધવા ગામેથી પિસ્તોલ ખરીદ કરી હતી. જોકે તે પહેલાં જ તેની ધરપકડ કરાઈ હતી.
કાલુપુરમાં લાગેલી આગનું કારણ શોધવા માટે પોલીસે સીસીટીવી કેમેરાની તપાસ કરી પરંતુ ક્યાંય કોઈ કડી મળતી નહતી. સતત 3 દિવસ સુધી કેમેરાની એક એક બાબતોને ધ્યાને લેતા પીપીઇ કીટ પહેરેલા ત્રણ માણસો નજરે પડ્યા હતા. આગ પહેલાં કીટ પહેરી આવેલા લોકોની વધુ તપાસ કરતા એક આરોપીની ઓળખ થઈ હતી જેની પૂછપરછમાં અન્ય બે પણ પકડાયા હતા.
આરોપી પ્રવીણ વણઝારા પિસ્તોલ લઇને અમદાવાદ આવતો હતો ત્યારે સેવાલિયા પાસે પકડાયો હતો. અઠવાડિયા બાદ જામીન મેળવી તેણે ફરી બાબાભાઈનો સંપર્ક કરતા તેને તિરુપતિ એસ્ટેટમાં આવેલી પેપર મિલમાં આગ લગાડવાની કામગીરી સોંપાઈ હતી. જોકે તેમાં સફળ થયો નહતો. ત્યારબાદ કાલુપુર રેવડી બજારની દુકાનોમાં સાથીદારો સાથે મળીને આગ લગાવી હતી.