જામનગર શહેરમાં ક્રેડીટ બુલ્સ ઈન્વેસ્ટમેન્ટના નામે 23 કરોડના કૌભાંડમાં સંડોવાયેલા ફરારી આરોપીને સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે નેપાળની બોર્ડર પરથી ઝડપી લઇ અદાલતમાં રજૂ કરતા ચાર દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર રાખ્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, વર્ષ 2024 માં જામનગર શહેરના સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પૂર્વ આયોજીત કાવતરુ રચી છેતરપિંડીના ગુનામાં ધવલ દિનેશ સોલાણી અને યશ દિનેશ સોલાણી નામના બે આરોપીઓ વિદેશી નાશી ગયા હોય જેથી આ બંને આરોપીઓની શોધખોળ માટે પોલીસે તપાસ આરંભી હતી. આ પૂર્વે આ કૌભાંડમાં બ્રાંચ હેડ પંકજ પ્રવિણ વડગામા અને કો-ઓર્નર ફરજાના ઈરફાન અહમદ અબ્દુલ હુશેન શેખ નામના બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા અને આ બંને હાલ જેલ હવાલે છે. દરમિયાન નાસતા ફરતા ભાઈઓ પૈકીના યશ દિનેશ સોલાણી નામનો શખ્સ દુબઇથી થાઇલેન્ડ નાશી ગયો હતો અને થાઈલેન્ડથી નેપાળ આવી ગયો હતો. જ્યાંથી તે ભારતના કોઇ પણ રાજ્યની બોર્ડરમાંથી પ્રવેશ કરવાનો હોવાની બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ પી પી ઝા, એએસઆઈ રઘુવીરસિંહ પરમાર, રાજેશ વેગડ, હેકો ક્રિપાલસિંહ સોઢા, દશરથસિંહ પરમાર, પો.કો. સંજય પરમાર, જયદીપસિંહ જાડેજા, પ્રદિપસિંહ રાણા, કલ્પેશ અઘારા, હિતેશ મકવાણા, મયુરરાજસિંહ જાડેજા, વિપુલ ગઢવી, સાજીદ બેલીમ સહિતના સ્ટાફે એક ટીમ બનાવી હતી.
દરમિયાન યશ સોલાણી નેપાળની રકસોલ બોર્ડર પરથી ભારતમાં પ્રવેશ કરવાનો હોવાની જાણના આધારે પોલીસની ટીમે બિહારના રકસોલ ખાતે વોચ ગોઠવી હતી અને તે દરમિયાન ભારતમાં પ્રવેશ કરતાં જ યશ દિનેશ સોલાણી નામના શખ્સને દબોચી લઇ પૂછપરછ કરતા યશ ક્રેડીટ બુલ્સ કંપનીમાં એચ આર હેડ હોવાની કેફિયત આપી હતી. બાદમાં પોલીસે યશની ધરપકડ કરી અદાલતમાં રજૂ કરતા ચાર દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર રાખ્યા હતાં.